રેલનગરમાં ભૂગર્ભ ટાંકાના કામ વેળાએ પડી જતાં ધવાયેલા શ્રમિક યુવાનનું મોત
શહેરના રેલનગર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ટાંકો બનાવવાનુ કામ ચાલી રહ્યુ હોય જેમા સેન્ટ્રીંગ કામ કરતી વેળાએ 10 ફૂટની ઉંચાઇએથી પડી જતા શ્રમિક યુવાનને ગંભીર ઇજા થતા સારવારમાં ખસેડાયો હતો. જેનુ ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ જામનગરનો વતની અને હાલ રેલનગરમાં ફાયર બ્રિગેડ પાસે રહેતો મનિષ મોહનભાઇ ડાભી (ઉ.વ.35)નામનો યુવાન ગત તા.16/11ના રોજ રેલનગરમાં ફાયર બ્રિગેડ પાસે આરએમસીના ભૂગર્ભ ટાંકાનો કામ ચાલી રહ્યુ છે.
જેમાં સેન્ટ્રીંગ કામ કરતો હતો. ત્યારે 10 ફૂટની ઉંચાઇએથી નીચે પટકાતા તેને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા ચાલુ સારવાર દરમિયાન આજે તેનુ હોસ્પિટલના બીછાને મોત નીપજ્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્ર.નગર પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક ત્રણભાઇમાં નાનો અને અપરિણીત હોવાનુ જાણવા મળ્યુ છે. યુવાનના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી છે.