સુત્રાપાડાના લાખાપર ગામે ખેડૂત યુવાનને દીપડાએ ફાડી ખાધો
ગીર સોમનાથમાં દીપડાનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે. હાલમાં જ ગીર સોમનાથથી એક હ્રદય કંપાવી દેનારી ઘટના સામે આવી છે. જિલ્લાના સુત્રાપાડાના લાખાપરા ગામના એક ખેડૂતને રાત્રિ દરમિયાન દીપડાએ ફાડી ખાધો હોવાની ઘટનાથી આખા ગામમાં સન્નાટો પ્રસરી ગયો છે. ખેડૂત ખેતરમાં પાકનુ રખોપુ કરવા ગયો હતો, આ દરમિયાન સૂતેલા ખેડૂત પર અચાનક દીપડાએ હુમલો કરતાં મોત થયુ હતુ.
મળતી માહિતી મુજબ સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના લાખાપરા ગામમાં રહેતા ખેડૂત પર દીપડાએ હૂમલો કર્યો છે, નારણભાઈ પીઠિયા નામના ખેડૂતે પોતાના ખેતરમાં અડદનો પાક વાવ્યો હોય, રાત્રિ દરમિયાન ખેડૂત યુવક પોતાના ખેતરમાં અડદના પાકનું રખોપુ કરવા પહોંચ્યો હતો. ત્યારે ખેડૂત યુવક પર અચાનક દીપડાએ હુમલો કર્યો અને ફાડી ખાધો હતો. ઘટના બાદ યુવકના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો, ગ્રામજનો એકઠા થઇ જતા બાદ વન વિભાગે હિંસક બનેલા દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી હતી.
ગીર સોમનાથ જિલ્લામાં હુમલાની 7 ઘટના બની હતી. જેમાંથી 2 લોકોના મોત નિપજ્યાં હતા. ગીર સોમનાથ જીલ્લાના તાલાલા તાલુકાનાં ગીર વિઠલપુર ગામે બે દિવસમાં દીપડાએ બે યુવાનો પર હુમલો કર્યો. તો ગીર ગઢડામાં ફરેડા ગામે વાડી વિસ્તારમાં દીપડા એ વૃદ્ધાને ફાડી ખાધી અને સુત્રાપાડાના ગામમાં પરપ્રાંતીય મજૂરના ચાર વર્ષના દીકરા પર પણ દીપડાએ હુમલો કર્યો હતો.