સાવરકુંડલાના બગોયા ગામમાં ગાડું જોડતા ખેડૂત યુવાન પર દીપડાનો હુમલો
સ્થાનિક લોકોએ એકત્ર થઇ ભગાડ્યો : ઘાયલ યુવાનને સારવારમાં ખસેડાયો
સાવરકુંડલા તાલુકાના આંબરડી નજીક આવેલ બગોયા ગામે દિવસે એક દીપડો આવી ચડ્યો હતો અને બગોયા ગામ વચ્ચે આવેલ પોતાના ઘર બહાર 25 વર્ષીય સલીમભાઈ ઝાંખરા નામનો ખેડૂત યુવક વાડીએ જવા માટે પોતાના સનેડા પાછળ ગાડું જોડી રહ્યો હતો. તેવા સમયે એક દીપડો આવી ચડતા સલીમભાઈના ખંભે દીપડો ટિંગાઈ ગયો હતો.
જેથી યુવકની ચીસથી આસપાસમાં રહેલ લોકો દોડી આવી હાકલા પડકાર કરતાં યુવકને ખંભા અને શરીરના અન્ય ભાગોમાં ઇજા પહોંચાડી દીપડો નાસી છૂટયો હતો. આસપાસના લોકો આવી જતા સદનસીબે મોટી દુર્ઘટના થતાં ટળી હતી. દીપડાથી ઘાયલ યુવકને હાલ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા પણ બાજુના આંબરડી ગામે એક ઘરમાં દીપડો ઘૂસી આવ્યો હતો. જ્યાં પાલતુ શ્વાનની સતર્કતાથી ઘરના સભ્યોનો બચાવ થયો હતો. લોકોની સતર્કતાથી યુવક બચી ગયો હતો. આ વિસ્તારમાં 24 કલાકમાં રહેણાંકી વિસ્તારમાં દીપડો ઘૂસી આવવાના સતત બીજા બનાવથી લોકો દિવસે પણ ફફડાટ અનુભવી રહ્યા છે.