શાપરમાં વતન જવાની જીદ સાથે શ્રમિક પરિણીતાએ વખ ઘોળ્યું
ધ્રોલના ખખરા ગામે પત્ની અને બાળકો માવતરે ચાલ્યા જતા યુવકનો આપઘાતનો પ્રયાસ
શાપરમાં રહેતી શ્રમિક પરિણીતાએ વતનમાં જવાની જીદ સાથે ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપરમાં બુધનગર વિસ્તારમાં રહેતી ભારતીબેન રિતિકભાઈ શાહુ નામની 25 વર્ષની પરિણીતાને પોતાના વતનમાં જવું હતું પરંતુ પતિએ થોડા દિવસ પછી જવાનું કહેતા ભારતીબેન શાહુને માઠુ લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં મૂળ છોટાઉદેપુરના વતની અને હાલ ધ્રોલના ખાખરા ગામે ખેતી કામ કરતા રાકેશભાઈ હકુભાઇ ભાંભોર નામના 37 વર્ષના યુવકની પત્ની અને બાળકોને તેના માવતર પક્ષના લોકો તેડી ગયા હતા જેથી રાકેશભાઈ ભાભોરને લાગી આવતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.