સાધુવાસવાણી રોડ ઉપર લિવ ઈનમાં રહેતી વિધવાની હત્યા
- સાથે રહેતા પાર્ટનરે જ ગળેટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધાની શંકા, પોલીસ દ્વારા એફએસએલ ડોગ સ્કવોડ-ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદથી તપાસ
રાજકોટ શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હોય તેવું જાણવા મળી રહ્યું છે. દિવસેને દિવસે મારામારી, ચોરી, લુંટ અને હત્યાના બનાવ વધતાં જાય છે. ત્યારે આજે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે.શહેરના સાધુવાસવાણી રોડ તુલસી સુપર માર્કેટ પાસે આવેલા મહાનગરપાલિકાના સરકારી કવાર્ટરમાં લીવ ઈન રિલેશનમાં રહેતી એક વિધવાની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતકના પરિવારજનોને જાણ કરતાં તેઓ પણ બનાવ સ્થળે પહોંચી ગયા હતાં. પોલીસમાંથી જાણવા મળી રહ્યું હતું કે મહિલાને તેમની સાથે લીવ ઈન રિલેશનમાં રહેતા પ્રેમીએ જ ગળેટૂંપો આપી હત્યા નિપજાવી છે. હાલ આરોપીને હાથવેંતમાં લઈ તેની સઘન પુછપરછ કરવામાં આવી રહી હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
વધુ વિગતો મુજબ, સાધુવાસવાણી રોડ પર તુલસી સુપર માર્કેટની બાજુમાં આવેલા સરકારી કવાર્ટરમાં રહેતા ઈલાબેન મનસુખભાઈ સોલંકી નામના મહિલાની લાશ તેમના કવાર્ટરમાંથી જ મળી આવતાં યુનિવર્સિટી પોલીસ સ્ટાફ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તેમજ પોલીસ સ્ટાફે એફએસએલ, ડોગ સ્કવોડ અને ફીંગરપ્રીન્ટ નિષ્ણાંતની મદદથી તપાસ શરૂ કરી હતી. મૃતકને સંતાનમાં એક પુત્ર છે. તેમના અગાઉ થોરાળા વિસ્તારનાં યુવાન સાથે લગ્ન થયા હતાં. ત્યારબાદ તેમના પતિનું બે વર્ષ પહેલા અવસાન થતાં ઈલાબેન તેમના પ્રેમી સંજય શંકરલાલ ગોસાઈ (રહે.હાલ રાજકોટ મુળ કેશોદ નવાગામ ઘેડ)સાથે ચારેક મહિનાથી લીવ ઈન રિલેશનશીપમાં સાધુવાસવાણી રોડ પરના કવાર્ટરમાં પુત્ર સાથે રહેવા ગઈ હતી. બન્ને વ્યક્તિ બે મહિનાથી કવાર્ટરમાં સાથે રહેતા હતાં.
આ ઘટનાની જાણ થતાં મૃતક ઈલાબેન રૈયાધાર પાસે રહેતા માતા લલિતાબેન ખીમભાઈ સોંદરવા ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને તેઓએ જણાવ્યું હતું કે, ઈલાબેન પાંચ બહેન એક ભાઈમાં વચેટ હતી. તેમના પતિનું અવસાન બાદ પોતે સંજય નામના વ્યક્તિ સાથે પ્રેમ પાંગરતા તેમની સાથે મૈત્રી કરાર કર્યા બાદ સંજય સાથે જ પુત્રને લઈ રહેવા ચાલી ગઈ હતી. યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ એન.વાય.રાઠોડ અને સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ઈલાબેનને ગળેટૂંપો આપી હત્યા કરવામાં આવી છે. હાલ ઈલાબેનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. તેમનું ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરવા તજવીજ શરૂ કરવામાં આવી છે. તેમજ બનાવ અંગે ઈલાબેનના માતા લલિતાબેનની ફરિયાદ પરથી આરોપી સંજય ગૌસ્વામી વિરૂધ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધવા તજવીજ શરૂ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સંજયે ગૃહકંકાશને કારણે પ્રેમિકા ઈલાની હત્યા કરી હોય તેવું જાણવા મળી રહ્યું છે. હાલ સ્પષ્ટ કારણ જાણવા તપાસ જારી રાખી છે. આ ઘટના અંગે સૌપ્રથમ આજુબાજુના રહેવાસીને જાણ થતાં તેઓએ તુરંત પોલીસને બનાવની જાણ કરી હતી.એસીપી રાધીકા ભારાઈએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ઈલાબેનને ગઈકાલે તેમના પ્રેમી સંજય ગોસાઈ સાથે વાસણ સાફ કરવા મામલે માથાકુટ થઈ હતી.
સંજય બે સંતાનનો પિતા છે
પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે, કવાર્ટરમાં રહેતા ઈલાબેનની હત્યા તેમના જ લીવ ઈન પાર્ટનર સંજય ગૌસ્વામીએ કરી હતી. આ ઘટનામાં ઈલાબેનના પતિ મનસુખ રામજીભાઈ સોલંકીનું બે વર્ષ પહેલા અવસાન થયુ હતું. તેમના થકી થયેલા પુત્રને સાથે રાખી સંજય ગૌસ્વામી સાથે રહેતી હતી. સંજય પણ પરિણીત હોય તેને પણ સંતાનમાં બે પુત્રો હોવાનું માલુમ પડયું છે. તેમજ પોતે હોસ્પિટલની એમ્બ્યુલન્સ ચલાવે છે. તેમજ ઈલાબેન હોસ્પિટલમાં નોકરી કરતાં હોવાનું જાણવા મળી રહ્યું છે.