રાજ ઠાકરેના બફાટ સામે ગુજરાતભરમાં વિરોધનો વંટોળ
રાજ ઠાકરે સામે દેશદ્રોહનો ગુનો નોંધી ગુજરાતમાં પ્રવેશબંધી કરો: મનોજ પનારા
C.R.પાટીલ મહારાષ્ટ્રીયન હોવા છતાં ગુજરાતમાં મુખ્યમંત્રી જેટલું માન મળે છે: લાલજી પટેલ
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના-ખગજના પ્રમુખ રાજ ઠાકરેએ સરદાર વલ્લભભાઈ પટેલ અને પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ વિરુદ્ધ કરેલા વિવાદાસ્પદ નિવેદનોથી ગુજરાતભરમાં ભારે વિરોધ ઉભો થયો છે. રાજ ઠાકરેના આ નિવેદનથી ગુજરાતના લોકો તથા નેતાઓમાં રોષ ફાટી નીકળ્યો છે અને ઠેર ઠેરથી રાજ ઠાકરેના નિવેદન સામે વિરોધનો વંટોળ સર્જાયો છે. મહેસાણાથી SPG અધ્યક્ષ લાલજી પટેલનું નિવેદન સામે આવ્યું છે અને મોરબીમાં પાટીદાર નેતા મનોજ પનારાની આગેવાનીમાં પાટીદાર યુવાસંઘે રાજઠાકરે વિરુદ્ધ દેશદ્રોહનો ગુનો નોંધવા અને ગુજરાતમાં પ્રવેશબંધી કરવા માંગ કરી છે.
આ પાટીદાર નેતાઓએ કહ્યું છે કે રાજ ઠાકરેની માનસિકતા હલકી અને છીછરી, તેને મરાઠી સિવાય કોઈ ગમતા નથી.તો સીદસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈ પટેલ અને સંસદ રામભાઈ મોકરિયાએ પણ નારાજગી વ્યકત કરી છે.
સરદાર પટેલ ગ્રુપ (SPG ) ના અધ્યક્ષ લાલજી પટેલે, રાજ ઠાકરેની ગુજરાતીઓ પ્રત્યેની વિરોધી માનસિકતાની સખત શબ્દોમાં ટીકા કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે રાજ ઠાકરેને મરાઠીઓ સિવાય અન્ય કોઈ સમાજના લોકો પસંદ નથી અને તેઓ વારંવાર ગુજરાતીઓનું અપમાન કરી રહ્યા છે, જે હવે અખંડ ભારતના નિર્માતા સરદાર પટેલના અપમાન સુધી પહોંચી ગયું છે.
લાલજી પટેલે ગુજરાતના સર્વસમાવેશક અભિગમપર ભાર મૂકતાં કહ્યું કે, ગુજરાત મહારાષ્ટ્રના હજારો લોકોને રોજગારી અને સન્માન આપે છે, જેનું ઉદાહરણ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ મહારાષ્ટ્રીયન છે, જેમને અહીં મુખ્યમંત્રી જેટલું જ માન મળે છે.
બીજી તરફ મોરબીમાં પાટીદાર નેતા મનોજ પનારાની આગેવાનીમાં પાટીદાર યુવાસંઘે રાજઠાકરે વિરુદ્ધ રાજદ્રોહ અને દેશદ્રોહનો ગુનો નોંધવા અને ગુજરાતમાં પ્રવેશબંધી કરવા માંગ કરતું આવેદનપત્ર એ-ડિવિઝન પોલીસને આપ્યું છે. મનોજ પનારાએ રાજ ઠાકરે પર પ્રહાર કરતા કહ્યું કે રાજ ઠાકરેની માનસિકતા હલકી અને છીછરી છે. મહારાષ્ટ્ર અને મુંબઈમાં રાજ ઠાકરે રાજકીય ભૂમ ઝીરો થઈ ગઈ છે એને ફરીથી ઉજાગર કરવા માટે આ પ્રકારનું હીન કૃત્ય કર્યું છે અને સરદાર સાહેબ અને પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈ પર પણ જે ટીકા-ટિપ્પણી કરી છે અને જે પ્રકારે વાણીવિલાસ કર્યો છે, એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. આવનારા દિવસોમાં અમે કોર્ટ-કચેરીના દરવાજા ખટખાટાવવામાં આવશે.