વ્યાજખોરે પાનના ધંધાર્થીનું અપહરણ કરી માર મારતા ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ
શહેરમાં પાનના ધંધાર્થીને વ્યાજખોરે વાતના બહાને માયાણી ચોકમાં બોલાવી કારમાં નાખી નાના રોડ પર લઈ જઈ માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે અને આક્ષેપના પગલે પોલીસે તપાસનો દોર લંબાવ્યો છેઆ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ નાના મવા રોડ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આયર્લેન્ડ સોસાયટીમાં રહેતાં અને ગોવિંદરત્ન બંગલો પાસે પાનની દૂકાન ચલાવતાં જતીન ભુપેન્દ્રભાઇ દક્ષિણી (ઉ.વ.27) નામના યુવાને રાતે સાડા બારેક વાગ્યે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યો હતો. આ અંગે જાણ થતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં વ્યાજખોર ઘનશ્યામએ વ્યાજની ઉઘરાણી માટે વાત કરવા બોલાવાયા બાદ માયાણી ચોકમાંથી કારમાં નાંખી નાના મવા રોડના પેટ્રોલ પંપ પાછળ લઇ જઇ મારકુટ કરી ધમકી આપી બાદમાં બીજી કાર મારફત ઘર પાસે મુકી જવાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જતીન બે ભાઇમાં મોટો છે અને પરીણીત છે. તેના પત્નિ કુંજલબેન હાલ સગર્ભા છે. પિતા ભુપેન્દ્રભાઇ દક્ષિણીએ જણાવ્યું હતું કે એકાદ વર્ષ પહેલા જતીનની નવજાત દિકરીને આંતરડાની બિમારી લાગુ પડી હોઇ સારવાર માટે પૈસાની જરૂૂર પડતાં ઘનશ્યામ પાસેથી વ્યાજે નાણા લીધા હતાં. એ પછી પણ કટકે કટકે રકમ લીધી હતી. આ રીતે પાંચેક લાખ સામે વધુ રકમ ચુકવી દીધી છે. આમ છતાં વ્યાજ મંગાતું હોઇ અમે વ્યાજ ભરતાં હતાં. હાલમાં પુત્રવધુ સગર્ભા હોઇ તેના રિપોર્ટ થતાં રિપોર્ટ ખરાબ આવ્યા હતાં. જેની પુત્ર જતીન ટેન્શનમાં હતો. વ્યાજ ચુકવ્યું ન હોઇ ગઇકાલે તેને વાત કરવાના બહાને માયાણી ચોક બોકબેન પાસે બોલાવાયો હતો. તે ત્યાં જતાં તેનું વાહન ત્યાં જ રાખી દઇ ધક્કો દઇ કારમાં નાખી નાના મવા રોડ પર પંપ પાછળ લઇ જઇ વ્યાજની ઉઘરાણી કરી મારકુટ ચાલુ કરી હતી. અમે પુત્ર જતીનને પાછા આવવામાં મોડુ થતાં સતત ફોન ચાલુ કરતાં બાદમાં તેને બીજી એક કાર બોલાવી તેના મારફત અમારા ઘર પાસે જતીનને પરત મુકી જવાયો હતો. તેને ધમકી અપાઇ હોઇ ગભરાઇ જતાં તેણે ફિનાઇલ પી લીધી હતી. આ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે.