ભાવનગર રોડ ઉપર વેપારીએ દુકાનમાં જ ઝેર પી કર્યો આપઘાતનો પ્રયાસ
જુદા જુદા ચાર સ્થળે બે પરિણીતા, પ્રૌઢા અને યુવાને જ્વલનશીલ પ્રવાહી ગટગટાવ્યું
શહેરમાં રણછોડનગર વિસ્તારમાં રહેતા વેપારી વૃદ્ધ ભાવનગર રોડ ઉપર પોતાની દુકાને હતા ત્યારે કોઈ અગમ્ય કારણ ઝેરી દવા પી લીધી હતી. વેપારી વૃદ્ધને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રણછોડનગર વિસ્તારમાં રહેતા કિશોરભાઈ મેઘજીભાઈ લુણાગરીયા નામના 61 વર્ષના વૃદ્ધ ભાવનગર રોડ ઉપર પટેલ વાડીની બાજુમાં આવેલી પોતાની જી.કે. જૈનમ નામની દુકાનમાં હતા ત્યારે સવારના અગિયારેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી વેપારીને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત અન્ય બનાવમાં જુદા જુદા ચાર સ્થળે ત્રણ પરિણીતા અને એક યુવાને જ્વલનશીલ પ્રવાહી પી લીધું હતું. જેમાં કાલાવડ રોડ ઉપર આવેલા ભીમનગરમાં રહેતી કાજલબેન મુકેશભાઈ મકવાણા નામની 25 વર્ષની પરિણીતાએ પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી અને વિજય પ્લોટમાં રહેતા જયશ્રીબેન દિલીપભાઈ જાદવ નામના 55 વર્ષના પ્રૌઢએ પોતાના પતિની બીપીની બીમારીની દવા ભૂલથી પી લીધી હતી. જ્યારે ભાવનગર રોડ ઉપર મહિકાના પાટીયા પાસે આવેલી રાધિકા રેસીડેન્સીમાં રહેતા વિક્રમ ધીરુભાઈ મકવાણા નામના 22 વર્ષના યુવાને પોતાના ઘરે જ્વલનશીલ પ્રવાહી પી લીધું હતું જ્યારે જામનગર રોડ ઉપર દ્વારકાધીશ પેટ્રોલ પંપની સામે રહેતી ભાનુબેન રાજુભાઈ સોલંકી નામની 28 વર્ષની પરિણીતાએ જામનગર રોડ ઉપર ભંગારના ડેલામાં હતી ત્યારે ફિનાઈલ ગટગટાવી લીધું હતું. પરિણીતા, પ્રોઢા અને યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.