રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે ત્રિપાંખીયો જંગ જામવાના એંધાણ
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી આગામી તારીખ 20 ડિસેમ્બરના રોજ યોજાનાર હોવા સંદર્ભે સ્થાનિક કક્ષાએ ચૂંટણી કાર્યક્રમનું જાહેરનામું હજી પ્રસિદ્ધ થયું નથી, ત્યાં જ બાર એસો.ના સન 2025ના પ્રમુખપદ માટે વર્તમાન પ્રમુખ બકુલ રાજાણી, પુર્વ સેક્રેટરી દિલીપભાઈ જોષી અને પરેશભાઈ મારુ ત્રણે નામોનો સોશિયલ મીડિયામાં પ્રચારમારો શરૂૂ થઈ જતા પ્રમુખ પદ માટે ત્રિપાખિયો જંગ જામે તેવા સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે.
વકીલ વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ, ઉપરોક્ત ત્રણેય મુરતિયાઓ (ઉમેદવારો) ચૂંટણી લડવા પૂરેપૂરા ઉત્સુક છે. તેમાં હાલના 2024ના વર્ષની ગત વર્ષે યોજાઇ ગયેલી ચૂંટણી જેવો અપસેટ સર્જાય તો નવાઈ નહીં.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમાં તમામ બાર એસોસિએશનમાં ચૂંટણી એક સાથે યોજવા માટેની તારીખ 20 ડિસેમ્બર જાહેર કરી દીધી હોય તેની સૂચિ અને નિયમો અગાઉથી જે તે બાર એસોસિએશનને મોકલી દેવાયા છે, તેમાં રાજકોટ બાર એસોસિયેશન દ્વારા ચૂંટણી કાર્યક્રમ અંગેનું સત્તાવાર સ્થાનિક જાહેરનામું ગણતરીના દિવસોમાં બહાર પડનાર છે.
ત્યારે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં સૌથી મોટા વકીલ મંડળમાં 2025ની ચૂંટણી માટે પૂર્વ પ્રમુખ સેક્રેટરી સહિત ત્રણ ઉમેદવારોએ પ્રચારમારો શરૂૂ કરી દીધો છે.
આ વખતની બારની ચૂંટણી નવા કોર્ટ બિલ્ડિંગમાં પ્રથમ વખત યોજાનાર હોય તેમાં પ્રમુખ પદ માટે ત્રણ વખત ચૂંટાઈ ચૂકેલા વર્તમાન પ્રમુખ બકુલ રાજાણી, પરેશભાઈ મારુ અને ચાર વખત સેક્રેટરી પદે સફળતાપૂર્વક સેવા આપી ચૂકેલા દિલીપભાઈ જોષીના નામો સોશિયલ મીડિયામાં ગાજી રહ્યા છે. આ ત્રણેય ઉમેદવારો પોતાનો પ્રચાર ઉપરાંત પોતાની પેનલ નક્કી કરવા મથામણ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.
પેનલ નક્કી થયા પછી વકીલ મતદારોને રીઝવવા ડિનર ડિપ્લોમસી ચાલુ થશે એમ મનાય છે. અત્રે યાદ રહે હાલના બાર એસોસિએશનની બોડીની ગત વર્ષના ડિસેમ્બર માસમાં યોજાયેલ ચૂંટણીમાં ભાજપ લીગલ સેલના બે જૂથો સામસામે આવી ગયા હતા, અને સમરસ પેનલ અને એક્ટિવ પેનલના નામે પ્રચાર જંગ પણ જામ્યો હતો.