માંગરોળમાં મોબાઇલ શોપમાં ઘૂસી લુખ્ખાએ ધમાલ મચાવી, ત્રણ લેપટોપ તોડી નુકસાન કર્યું
જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આવેલી એક મોબાઈલ શોપમાં ઘૂસી લુખ્ખાએ આતંક મચાવ્યો હોવાના સીસીટીવી સામે આવ્યા છે. મોબાઈલ લોક થઈ ગયા બાદ નારાજ થયેલા લુખ્ખાએ મોબાઈલ શોપમાં ત્રણ લેપટોપ તોડી નાખ્યા હતા. આ મામલે વેપારીની ફરિયાદ બાદ પોલીસે ઝાબીર નામના શખસને ઝડપી પાડી સાન ઠેકાણે લાવી દીધી હતી. માંગરોળમાં લુખ્ખાગીરીની ઘટના બાદ વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.આરોપી ઝાબીરે હપ્તા પર લીધેલા મોબાઈલના હપ્તા સમયસર ન ભરતા વેપારી તરફથી કંપની સિસ્ટમ મારફત મોબાઈલને લોક કરી દેવામાં આવ્યો હતો.
જેથી ગુસ્સે ભરાયેલો ઝાબીર મોબાઈલ શોપ પર પહોંચી ગયો હતો અને ગ્રાહકોની હાજરીમાં જ લુખ્ખાગીરી પર ઉતરી આવ્યો હતો. ઝાબીરે એક બાદ એક ત્રણ લેપટોપ જમીન પર પછાડી પછાડીને તોડી નાખ્યા હતા. જેના કારણે દુકાનમાં હાજર વેપારી અને ગ્રાહકો ફફડી ઉઠ્યા હતા. જાણે કોઈ કાયદાનો ડર જ ન હોય તે રીતે આરોપીએ મોબાઈલ શોપમાં ઘૂસીને આતંક મચાવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. આ પ્રકારના તત્વો સામે પોલીસ કડક હાથે પગલાં લે તેવી વેપારીઓ દ્વારા માગ કરવામાં આવી હતી.
મોબાઈલ શોપમાં આતંકનો વીડિયો વાઈરલ થયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝાબીરને ઝડપી પાડ્યો હતો. લંગડાતા લંગડાતા ઝાબીરને લઈ પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને ઘટનાનું રિક્ધસ્ટ્રકશન કરાવ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મોબાઈલ લોક કરવાના મુદ્દે થયેલી નારાજગી જ આ તોડફોડનું મુખ્ય કારણ હતું. પોલીસે આરોપી સામે ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરી છે.