છાતીમાં દોઢ મહિનાથી જામી ગયેલા કફે શિક્ષિકાનો ભોગ લીધો
મિશ્ર ઋતુ વચ્ચે શરદી-ઉધરસના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે રાજકોટમાં ગોકુલધામ વિસ્તારમાં આવેલી ગીતાંજલી સોસાયટીમાં રહેતી ખાનગી સ્કૂલની શિક્ષીકાનું છાતીમાં કફ જામી જવાથી મોત નિપજ્યું છે. યુવતીના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોકુલધામ વિસ્તારમાં આવેલ ગીતાંજલી સોસાયટીમાં રહેતી અને ખાનગી સ્કૂલમાં શિક્ષીકા તરીકે ફરજ બજાવતી હેતલબેન વિનોદભાઈ ભાડેશીયા નામની 30 વર્ષની યુવતી પોતાના ઘરે હતી ત્યારે વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડતાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં યુવતીનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક યુવતી ચાર બહેનમાં મોટી અને અપરિણીત હતી હેતલબેન ખાનગી સ્કૂલમાં શિક્ષીકા તરીકે ફરજ બજાવતી હતી. છેલ્લા દોઢ મહિનાથી હેતલબેનને છાતીમાં કફ જામી જતાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.