પ્રેમમાં દગો મળતા ઝેરના પારખા કરનાર ટી પોસ્ટની મેનેજર યુવતીએ દમ તોડયો
શહેરના રેસકોર્ષ રીંગરોડ પર આવેલી ટી પોસ્ટમાં નોકરી કરતી મેનેજર યુવતીએ પ્રેમમાં દગો મળતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેનુન સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ ધોરાજીના ફરેણી ગામની વતની અને હાલ રૈયા ગામ વિસ્તારમાં આવેલી વસુંધરા આવાસ યોજના કવાર્ટરમાં રહેતી એકતા રાજેશભાઇ ઝાલા (ઉ.વ.22) નામની યુવતીએ ગત તા.7ના બપોરે રેસકોર્ષ રીંગરોડ પર આવેલી ટી પોસ્ટમાં હતી ત્યારે ઝેરી દવા પી લેતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. જો કે ચાર દિવસની સારવાર કારગત ન નીવડતા આજે તેણીએ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા મોત નિપજયું હતું.
આ અંગે એ ડીવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક એકતા એક ભાઇ ચાર બહેનમાં નાની અને રેસકોર્ષ રીંગરોડ પર આવેલા ટી પોસ્ટમાં નોકરી કરતી હતી. વધુ તપાસમાં તેણીને અમદાવાદના યુવાન સાથે પ્રેમ સંબંધ હતો. પરંતુ પ્રેમીએ દગો દેતા લાગી આવવાથી આ પગલુન ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ બનાવથી પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.