વેરાવળમાં ધો.12માં નાપાસ થતા વિદ્યાર્થિનીનો ગળાફાંસો ખાઇ આપઘાત
વેરાવળમા ધો. 12 સાયન્સમા નાપાસ થતા છાત્રાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ બનવા પામેલ છે.
વેરાવળમાં વીસેક વર્ષથી રહેતા મુળ બિહારના પરીવારની 17 વર્ષીય પુત્રી શ્રેયા શ્યામાનંદ ઝા નું આજે ધો.12 સાયન્સનું પરીણામ આવવનું હતુ. જેથી શ્રેયા એ સવારે 11 વાગ્યા આસપાસ પોતાના રૂૂમમાં લેપટોપમાં પરીણામ જોયુ હતુ. જેમાં તેણી નાપાસ થઈ હોવાથી તેનું લાગી આવતા શ્રેયાએ પોતાના રૂૂમમાં ગળાફાંસો ખાઈ સુસાઈડ કરી લીધુ હતુ. આ સમયે તેણીના મમ્મી, બહેન સહિતના પરીવારજનો નીચે કામકાજ કરી રહ્યા હતા. થોડા સમય સુધી શ્રેયા નીચે ન આવતા પરીવારજનો ઉપર જતા રૂૂમમાં ગળાફાંસો ખાધેલ હાલતમાં શ્રેયા ને જોતા જ પરીવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવા આઘાતમાં ગરકાવ થઈ ગયા હતા.
બાદમાં નૌકરી પર ગયેલા તેના પિતા શ્યામાનંદને અને 108 ને જાણ કરી હતી. બાદમાં શ્રેયાને સિવીલ હોસ્પીટલએ ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. જેના પગલે ત્યાં હાજર પરીવારજનો ચોધાર આસુએ રડવા લાગ્યા હતા. માસુમ દિકરીએ સુસાઈડ કરી જીવન ટુંકાવી લીધાની ઘટનાથી તેનો પરીવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. શ્રેયા ધો.12 સાયન્સમાં અભ્યાસની સાથે NEET ની પણ તૈયારી કરી રહી હતી. આ સમાચાર વાયુવેગે પ્રસરી જતા વાલીઓ અને શહેરીજનો પણ શોકની લાગણી વ્યક્ત કરી રહ્યા હતા. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.