મિત્રો સાથે ફરવા નીકળેલા ધો.9ના છાત્રનું બાઇક અકસ્માતમાં મોત: બે સગીરને ઇજા
રાજકોટમાં કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં આવેલા નારાયણ નગરમાં રહેતો અને ધો.9માં અભ્યાસ કરતો સગીર પોતાના બે સગીર મિત્રો સાથે કાકાનું બાઈક લઈને ફરવા નીકળ્યો હતો ત્યારે શીતળાધાર પાસે પહોંચતા બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ધો.9ના છાત્રનું મોત નીપજ્યું હતું જ્યારે બે સગીરને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં આવેલા નારાયણ નગરમાં રહેતા જય બાબુભાઈ ચાવડા (ઉ.વ.15), વિજય નવઘણભાઈ મેર (ઉ.વ.12) અને વિશાલ હીરાભાઈ બગડા (ઉ.વ.17) નામના ત્રણેય સગીર સાંજના પાંચેક વાગ્યાના અરસામાં બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે શીતળાધાર પાસે આવેલા વળાંકમાં બાઈક ચાલક જય ચાવડાએ ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થયું હતું જે બાઈક અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણેય સગીરને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગંભીર રીતે ઘવાયેલા જય ચાવડાની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.પ્રાથમિક પૂછપરછમાં મૃતક જય ચાવડા બે ભાઈ એક બહેનમાં નાનો હતો અને ધો.9માં અભ્યાસ કરતો હતો જ્યારે ઇજાગ્રસ્ત વિજય મેર પણ ધો.9માં અભ્યાસ કરે છે જ્યારે વિશાલ બગડા કારખાનામાં નોકરી કરે છે જય ચાવડા પોતાના કાકાનું બાઈક લઇ પોતાના મિત્ર વિશાલ બગડા અને વિજય મેર સાથે ફરવા નીકળ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થતા સર્જાયેલા અકસ્માતમાં જય ચાવડાનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.