ધ્રાંગધ્રાના હળવદ રોડ પર રખડતા શ્ર્વાનનો નવ વર્ષની બાળકી પર હુમલો
ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ પર રખડતા શ્વાનના આતંકનો વધુ એક બનાવ સામે આવ્યો છે. અહીં એક 9 વર્ષની બાળકી પર રખડતા શ્વાને હુમલો કર્યો હતો. આ ઘટના સોસાયટી વિસ્તારમાં બની હતી, જ્યાં બાળકી પોતાના ઘર નજીક રમી રહી હતી.
રમતી વખતે અચાનક શ્વાને બાળકી પર હુમલો કરી બચકાં ભર્યા હતા. જોકે, પરિવારના પડોશીએ તાત્કાલિક બાળકીને પોતાના ઘરમાં લઈ લીધી હતી અને શ્વાનને ભગાડી મૂક્યું હતું. સમયસરની મદદથી મોટી દુર્ઘટના ટળી હતી.સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ જ શ્વાન અગાઉ પણ અનેક લોકોને નિશાન બનાવી ચૂક્યું છે. સોસાયટીના રહીશો અને રાહદારીઓ વાહન લઈને રોડ પરથી પસાર થાય કે તરત જ આ શ્વાન તેમની પાછળ પડે છે.
છેલ્લા કેટલાક સમયથી શ્વાનના આતંકને લઈને સોસાયટીના સ્થાનિકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં, તંત્ર દ્વારા આ મામલે કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી.તંત્રની નિષ્ક્રિયતાના કારણે શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે, જેનો ભોગ સામાન્ય રહીશો અને રાહદારીઓ બની રહ્યા છે. આ ઘટનાથી સ્થાનિકોમાં ભય અને રોષ જોવા મળી રહ્યો છે.