સોની વેપારીને તેના જ મિત્રએ 31 લાખનો ધુંબો માર્યાની પોલીસ ફરિયાદથી ચકચાર
એકસ યુ.વી. -700 કાર ગાંધીનગરથી ખરીદી આપવાના બહાને રૂપિયા મેળવી લીધા પછી કાર નહીં આપી છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ
જામનગરના એક સોની વેપારી રૂૂપિયા 31 લાખની છેતરપિંડી નો શિકાર બન્યા છે, અને મોડાશા માં રહેતા તેમના જ મિત્ર એ એકસ.યૂ. વી. કાર ગાંધીનગર થી ખરીદ કરી આપવાના બહાને કટકે કટકે 31,11,000 રોકડા રૂૂપિયા મેળવી લીધા બાદ કાર નહીં આપી પૈસા પચાવી પાડ્યા હોવાથી સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં છેતરપિંડી અંગેનો ગુનો નોંધાયો છે. પોલીસે તપાસનો દોર મોડાસા સુધી લંબાવ્યો છે. આ ફરિયાદના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રાજ રાજેશ્વરી સોસાયટીમાં રહેતા અને સોની કામની દુકાન ચલાવતા પરષોત્તમભાઈ ત્રીકમભાઈ કણજારીયા કે જે પોતાના જ મિત્ર અને સોની કામના વેપારી મોડાસામાં રહેતા હર્ષદ નટવરલાલ ચૌહાણ સામે રૂૂપિયા 31,11,000 ની છેતરપિંડી કર્યા ની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને આરોપીઓ બંને વર્ષોથી મિત્ર છે, અને પોતાના મિત્ર ભાવે એકસ.યૂ. વી.-700 કાર ખરીદવા માટે હાલ વેઇટિંગ ચાલતું હોવાથી, તેને વાત કરતાં આરોપી હર્ષદ ચૌહાણ કે જેણે પોતાની ગાંધીનગરમાં ઓળખાણ છે, અને ત્યાંથી હું 15 દિવસમાં કાર અપાવી દઈશ, તેમ કહી કટકે કટકે 31,11,000 રૂૂપિયા ની રકમ ફરિયાદી પુરષોત્તમભાઈ પાસેથી મેળવી લીધી હતી, અને અલગ અલગ સમયે બેંક મારફતે ટ્રાન્જેક્શન કરાવ્યા હતા.
પરંતુ સમય વીતી ગયો હોવા છતાં કાર ખરીદ કરીને નહીં આપતાં તેમજ પૈસા પણ નહીં આપતાં આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં જાહેર કર્યું છે.
જે ફરિયાદના અનુસંધાને પોલીસે આરોપી હર્ષદ નટવરલાલ ચૌહાણ સામે આઇપીસી કલમ 406 અને 420 મુજબ ગુન્હો નોંધ્યો છે, અને તપાસનો દોર મોડાસા સુધી લંબાવ્યો છે.