એક ગીત...વડાપ્રધાનનું ટ્વિટ...અને મળી જીત
લખવા,ગાવાનો શોખ ધરાવતા સુનિતા જોશીએ જ્યારે ગીત લખ્યું ત્યારે અણસાર પણ નહોતો કે હૃદયના ઊંડાણમાંથી લખાયેલ આ ગીત પ્રસિધ્ધિ અપાવશે
આજ જશ્ન મનાઓ સારી દુનિયા મેં મેરે રામ પ્રભુજી ઘર આયે... દુનિયાભરમાં ધૂમ મચાવનાર આ ગીતે સુનિતા જોશીની જિંદગી પલટાવી
"અયોધ્યામાં રામમંદિર ઉત્સવ માટે કેટલાક કાર્યક્રરો ઘરે ફાળો લેવા આવ્યા હતા. તેઓની સાથે ભગવાન રામનો ફોટો હતો તે ખૂબ સુંદર હતો.તેમના દર્શનથી જ લાગણીશીલ થઈ જવાયું અને વિચાર આવ્યો કે આપણે તો સરસ ઘરમાં રહીએ છીએ જ્યારે પ્રભુને હવે ઘર મળશે.આ કેટલા આનંદ અને ઉલ્લાસનો પ્રસંગ બનશે?આમ વિચારતા જ બે પંક્તિ સ્ફૂરી. આજ જશ્ન મનાઓ સારી દુનિયા મેં મેરે રામ પ્રભુજી ઘર આયે..આજ ફૂલ બિછાઓ સારી બગિયાં કે અયોધ્યા મેં ઉત્સવ છાંયે, બાકીનું ગીત ત્યાર પછી લખાતું ગયું.આ રચના જાણીતા ગાયિકા ગીતાબેન રબારીને આપી તેઓ પણ ખુશ થયા.ગીતની તૈયારીઓ ચાલી અને અયોધ્યા રામમંદિરના ઉત્સવ સમયે આ ગીત રિલીઝ કર્યું.ગીતના શબ્દો,સંગીત,સ્વર બધું જ હૃદયમાંથી નીકળ્યું હતું એટલે લોકોના હૃદયને સ્પર્શ્યુ.ગીત સાંભળી મારી આંખોમાંથી અશ્રુ ધારા વહી ગઈ. ગીત સાંભળી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ ટ્વિટ કરી તેની નોંધ લીધી અને પછી જાણે એક ઈતિહાસ રચાઈ ગયો.દેશ અને દુનિયામાં આ ગીતે ધૂમ મચાવી.” આ શબ્દો છે ‘મેરે રામ પ્રભુજી ઘર આયે’ ગીત દ્વારા ખૂબ જાણીતા થયેલ ગાંધીનગરના સુનિતા જોષીના.નાનપણથી ગીતો લખવા,ગાવાનો શોખ ધરાવતા સુનિતા જોશીએ જ્યારે ગીત લખ્યું ત્યારે અણસાર પણ નહોતો કે હૃદયના ઊંડાણમાંથી લખાયેલ આ ગીત આટલી પ્રસિધ્ધિ અપાવશે તેમજ લાઇફ ચેન્જિગ બનશે.
સુનીતાબેનનો જન્મ અમદાવાદ જિલ્લાના દહેગામમાં થયો અને ત્યાં જ અભ્યાસ કર્યો.અને તેમનું વતન વાવ થરાદ જિલ્લાનું નાનકડું ગામ ડેડાવા..નાના ગામમાં દીકરીઓને શિક્ષણ આપવાનો રિવાજ નહોતો, સ્ત્રીઓને મહત્ત્વ અપાતું નહીં આમ છતાં માતાના પ્રોત્સાહનથી ત્રણે ભાઈ બહેન ભણી શક્યા.માતા-પિતાએ બહુ સંઘર્ષમય દિવસો કાઢ્યા છે.પિતાજી કેટરિંગનો વ્યવસાય કરતા.પોતે મામાના ઘરે રહીને જ મોટા થયા છે.ઘરની સામે જ મહાદેવજીનું મંદિર હતું એટલે મંદિરમાં જ બાળપણ વીત્યું. સવાર સાંજ આરતીમાં ભાગ લેતા, આમ સંગીતમય વાતાવરણમાં સાયકોલોજી સાથે બી.એ. કર્યું. આઠમા ધોરણમાં ભણતા હતા ત્યારે જ સગાઈ થઈ ગઈ હતી.
લગભગ બારમા ધોરણમાં એક વખત ગાયનની એક સ્પર્ધામાં ભાગ લેવાનો હતો. શિક્ષક બધા વિદ્યાર્થીઓને લઈને ત્યાં પહોંચ્યા પછી ખ્યાલ આવ્યો કે ગાવાનું નથી પરંતુ ગઝલ લખવાની સ્પર્ધા છે. શિક્ષકે જેને લખવાનું ન ફાવે તેને જતા રહેવાનું કહ્યું પરંતુ હાર માને એ સુનિતાબેન નહીં તેમણે પોતાના જીવનસાથી ઉપર એક સરસ મજાની ગઝલ લખી અને તેઓને તેના માટે પ્રથમ ઇનામ મળ્યું, ત્યારબાદ તેઓનો આત્મવિશ્વાસ વધ્યો અને રચનાઓ જુદા જુદા અખબારોમાં પણ છપાવા લાગી. એ સમયે તેઓ સ્ટેજ પર ગાતા અને સિંગર તરીકે સારી એવી નામના મેળવી હતી.એક આલ્બમ બનાવવાનું નક્કી થતું હતું ત્યારે જ લગ્ન નક્કી થયા. પતિની નોકરી નાના ગામમાં હતી અને વાતાવરણ એવું ન મળ્યું કે તેઓ પોતાની સંગીતની યાત્રા ચાલુ રાખી શકે. લગ્ન બાદ બાળકોના જન્મ અને અન્ય જવાબદારી વચ્ચે તેઓએ પોતાની સંગીત અને લેખન કલા જાણે અભેરાઈએ ચડાવી દીધી. તેઓને પાંચ વર્ષની દીકરી અને 12 વર્ષનો દીકરો છે. પતિ ગાંધીનગર સેક્ટર 13 માં શાળામાં પ્રિન્સિપાલ છે. જ્યાં પતિની નોકરી હોય તે શહેરમાં જવાનું થતું.આ સમય યાદ કરતા સુનીતાબેન જણાવે છે કે, "જીવનની ઘટમાળ આમ જ ચાલશે એમ સ્વીકારી લીધું હતું પરંતુ વિધાતાએ કંઈક અલગ નિયતિ ઘડી હતી. ડીસામાં રહેતા હતા ત્યારે વોઇસ ઓફ ડીસા સ્પર્ધા આવી જેમાં ભાગ લીધો. લાંબો સમય પસાર થઈ ગયો હતો એટલે આત્મવિશ્વાસનો અભાવ હતો છતાં સ્પર્ધા માં છેક સુધી ટકી રહી. આ મારા જીવનનો ટર્નિંગ પોઇન્ટ બન્યો. સ્પર્ધા દરમિયાન નાની બહેન જેવી મિત્ર એશ્વર્યા પ્રજાપતિ મળી.જીવનમાં જે બદલાવ આવ્યો તેમાં એ બંને પતિ-પત્નીનો ફાળો મોટો છે”
એક વખત તેઓએ ભારતીય જનતા પાર્ટી પર ગઝલ લખી હતી જે તેમણે પુરુષોત્તમ રૂૂપાલાને બતાવી ત્યારે તેમણે તેની પ્રશંસા કરી અને ભાજપ કાર્યાલયે પહોંચાડવાનું જણાવ્યું. સમય જતા તેઓ આ ગઝલ ભૂલી ગયા હતા. એક વખત અનવર શેખ નામના સંગીતકારનો ફોન આવ્યો અને આ ગીતની ચર્ચા કરી. સુનીતાબેનના શબ્દોને કવિતા દાસે સ્વર આપ્યો આમ ભગવા ગીતની રચના થઈ.ભગવો ગીત સાંભળીને કિંજલ દવેના પપ્પા,ગીતા રબારીના ભાઈ મહેશભાઈ વગેરે એ સામેથી સંપર્ક કર્યો.આ ગીત પછી જાણે લેખન ક્ષેત્રે તેમની માંગ વધી. સંગીતકાર અનવર શેખ જે પોતાના ભાઈ સમાન છે,તેઓએ પણ લેખનમાં સુધારા વધારા કરી મારા લેખનને શ્રેષ્ઠ બનાવ્યું.
જીવનના સંઘર્ષ વિશે વાત કરતા તેઓએ જણાવ્યું કે, "લેખન અને ગાયન ક્ષેત્રે નાનું ગામ હોવાથી વાતાવરણ નહોતું એવા સમયે પણ લેખનયાત્રા ચાલુ રાખી.ગીતના રેકોર્ડિંગ સમયે બાળકને સાથે લઈને જતી,માતાના ઘરે મૂકી ભાઈ સાથે જઈને રેકોર્ડિંગ પૂરું કરી ફરી ઘરે આવું.
ગીતની માંગ મુજબ કોઈપણ ટોપિક આપે તેના વિશે ઘરનું કામ કરતા કરતા જ વિચારું અને જે શબ્દો આવે તેને સૂરો સાથે જ મોબાઈલમાં રેકોર્ડ કરી લેતી ત્યારબાદ શાંતિથી તેના પર કામ કરું આ રીતે 35થી વધુ ગીતો રચાયા છે. એક ગીત રજૂ થાય એટલે એ લોકો બીજું ગીત ક્યારે આવશે તેની માગણી કરે છે. આ સફળતાના ઉજાસનો પણ એક આનંદ છે.હું જે કંઇ ભગવાન વિશે ભાવપૂર્ણ લખું છું તેનો શ્રેય મારા નાનીને જાય છે કારણ કે નાનપણમાં તેઓ ભગવાનની વાર્તા, ભજન વગેરે સંભળાવતા હતા.”
સુનિતાબેન તલાટીની પરીક્ષામાં સિલેક્ટ થઈ ગયા હતા છતાં સંગીત જેવી મજા નહીં આવે એમ વિચારી ઓર્ડર કેન્સલ કર્યો. પોતાની સફળતામાં પોતાના પતિ,પરિવારજનો,સહિત ઐશ્વર્યા પ્રજાપતિ,અનવર શેખ, અને અનેક હિતેચ્છુઓનો ફાળો છે એવું માનતા સુનિતાબેન, થોડા સમય પહેલાં જેણે આ દુનિયામાંથી વિદાય લીધી છે તે ગીતાબેન રબારીના ભાઈ મહેશભાઈને પણ યાદ કરે છે કારણ કે એક ભાઈની જેમ તેઓએ પણ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.અનેક નામી કલાકારો સાથે કામ કરનાર સુનિતાબેનનું માનવું છે કે વધુ સંખ્યામાં ગીતો કરવા કરતાં ઓછા પણ શ્રેષ્ઠ ગીતો કરવા. તેમનું સ્વપ્ન પોતાની ચેનલ બનાવવાનું છે,બોલિવૂડ ફિલ્મો માટે પણ ગીતો લખવા તેમજ ગુજરાતી ફિલ્મો માટે પણ લખવાની ઈચ્છા છે.તેઓને રાઇટર,સિંગર, કમ્પોઝર,અને પ્રોડ્યુસરનું કામ બધું જ કરવું છે.તેઓને સફળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ.
જ્યારે વડાપ્રધાને પોતાના ગીત માટે ટ્વિટ કર્યું
નિયમિત સવારે હનુમાનચાલીસાના પાઠ,ભગવદ ગીતાનું વાંચન કરતા સુનિતાબેન જ્યારે વડાપ્રધાને ગીત માટે ટ્વિટ કર્યું એ વાત યાદ કરતા જણાવે છે કે, "એ દિવસે ડીસા કામ માટે ગઈ હતી ત્યાં ગીતાબેનના ભાઈ મહેશભાઈનો ફોન આવ્યો અને જાણ કરી કે ગીત માટે વડાપ્રધાન મોદી એ ટ્વિટ કર્યું છે તમે અમદાવાદ આવી જાવ. અમદાવાદ ગયા ત્યાં જઈને સેલિબ્રેશન કર્યું અને ઇન્ટરવ્યૂ શરૂૂ થયા.એક ગીતે આખી જીવન યાત્રા બદલાવી નાખી.
ક્યારેય હથિયાર હેઠાં ન મૂકો
મહિલાઓને સંદેશ આપતા સુનિતાબેને જણાવ્યું હતું કે દરેક સ્ત્રીમાં ભગવાને કંઈક ખાસ આવડત મૂકી હોય છે. અમુક સંજોગોના કારણે ઘણાં પોતાની આવડત બહાર લાવી શકતા નથી પરંતુ હાર ન માનો. જીવનના કોઈપણ તબક્કે તે કામ આવશે. ક્યારેય હથિયાર હેઠાં ન મૂકો.
Wrriten By: Bhavna Doshi