ઓખા બંદરે હૃદયરોગના હુમલાથી નિંદ્રાધીન માછીમાર યુવાનનું મોત
નવસારી તાલુકાના અડદા ગામના મૂળ રહીશ હિતેશભાઈ શુક્કરભાઈ હળપતિ નામના 36 વર્ષના માછીમાર યુવાનને ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં એક બોટમાં આરામ કરતી વખતે રાત્રિના સમયે હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ હરીશભાઈ અમૃતભાઈ ટંડેલએ ઓખા મરીન પોલીસને કરી છે.
દ્વારકા નજીક દરિયામાં ડૂબી જતા યુવાનનું મૃત્યુ
દ્વારકા નજીક આવેલા ગોવાળિયા ધામ પાછળના ભાગે ગુરુવારે એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આશરે 20 થી 25 વર્ષનો આ અજાણ્યો યુવાન કોઈ કારણોસર દરિયામાં પડી જતા દરિયાના પાણીના વહેણ દ્વારા તણાઈ આવતા તેનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ સ્થાનિક રહીશ દ્વારા દ્વારકા પોલીસને કરવામાં આવી છે. આને અનુલક્ષીને પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, મૃતકના વાલી-વારસની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
દ્વારકામાં યાત્રિકનો મોબાઈલ ચોરાયો
નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના રહીશ દિપેશભાઈ કિશોરભાઈ પટેલ નામના 34 વર્ષના યુવાન તાજેતરમાં દ્વારકા ખાતે દર્શનાર્થે આવ્યા હતા. ત્યારે તેમણે બસમાં રાખેલો રૂૂપિયા 15,500 ની કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન કોઈ તસ્કર ચોરી કરીને લઈ ગયો હોવાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
ટોકન વગર માછીમારી કરતા શખ્સ સામે કાર્યવાહી
દ્વારકાના હુસેની ચોક વિસ્તારમાં રહેતા જાની કાસમ પટેલીયા નામના 38 વર્ષના માછીમારે કોઈપણ જાતનું ટોકન મેળવ્યા વગર પોતાની બોટ મારફતે દરિયામાં માછીમારી કરતાં પોલીસે ઝડપી લઇ ધોરણસર કાર્યવાહી કરી હતી.