સંરક્ષણમાં સ્વાવલંબી ભારત શક્તિ, શૌર્ય અને સ્વાભિમાનનો સંકલ્પ
ગાંધીનગરના હોટેલ લીલા ખાતે ભારત સરકારના સંરક્ષણ ઉત્પાદન વિભાગ, ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા લઘુ ઉદ્યોગ ભારતીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ‘સંરક્ષણ ક્ષેત્રમા આત્મનિર્ભરતા ’ કાર્યક્રમ એ જ આ શક્તિ અને સ્વાભિમાનનું પ્રતીક છે. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ અવસરે રક્ષા ક્ષેત્રને પ્રોત્સાહન આપતા ડિફેન્સ સ્ટોલ્સનું ઉદ્ઘાટન થયું અને પ્રદર્શિત નવીન ટેકનોલોજી તથા સાધનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું. લઘુ ઉદ્યોગ ભારતીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રભારી બલદેવભાઈ પ્રજાપતિએ ઉદ્બોધન કરતાં જણાવ્યું કે રાજ્યના MSME ઉદ્યોગોએ કેન્દ્ર તથા રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લઈ ડિફેન્સ સાધનોના ઉત્પાદનની ટેકનિક હાંસલ કરવી જોઈએ અને સરકારની ખરીદીમા સક્રિય ભાગ લઇ આત્મનિર્ભરતાના સંકલ્પને પૂર્ણ કરવો જોઈએ.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે લઘુ ઉદ્યોગ ભારતી આ દિશામા કડીરૂૂપ સહાય આપવા સદૈવ તૈયાર છે. કાર્યક્રમમા DRDO લેબોરેટરીઝ, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ., ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિ., એલ એન્ડ ટી ડિફેન્સ તથા રક્ષાશક્તિ યુનિવર્સિટીએ પ્રેઝન્ટેશન આપ્યાં, જે MSME, સ્ટાર્ટઅપ્સ અને સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક રક્ષા બજારમા મજબૂત સ્થાન અપાવશે.આભાર પ્રવચનમાં લઘુ ઉદ્યોગ ભારતીના મહામંત્રી હંસરાજભાઈ ગજેરાએ ગુજરાત રાજ્યમાં ડિફેન્સ કોરિડોર અને ક્લસ્ટર મંજુર કરવા વિનંતી કરી.આ અવસરે સંજીવ કુમાર સચિવ, સંરક્ષણ ઉત્પાદન વિભાગ, ભારત સરકાર; મમતા વર્મા અગ્ર સચિવ, ઉદ્યોગ વિભાગ, ગુજરાત સરકાર; મનીષા ચંદ્રા સંયુક્ત સચિવ, સંરક્ષણ ઉત્પાદન વિભાગ, ભારત સરકાર; લોકેશ કુમાર ડેપ્યુટી ડી.જી.; કે.સી. સંપત એમ.ડી., ઇન્ડેક્સ-બી; રાજેશ ગાંધી સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, GCCI; સુધાંશુ મહેતા સેક્રેટરી ,GCCI; બલદેવભાઈ પ્રજાપતિ પ્રમુખ, લઘુ ઉદ્યોગ ભારતી; હંસરાજ ગજેરા મહામંત્રી, લઘુ ઉદ્યોગ ભારતી તથા વિવિધ ઉદ્યોગ એસોસિએશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.