રાજકોટ અને સૌરાષ્ટ્રને વિકસિત બનાવવા રોડમેપ તૈયાર કરાશે
રાજકોટ ખાતે રીજીયોનલ સ્ટેકહોલ્ડર ક્ધસલ્ટેશન વર્કશોપ યોજાયો
જિલ્લા વહીવટી તંત્ર, ઉદ્યોગ સાહસિકો અને ગ્રીટની ટીમે સંયુક્ત રીતે કર્યું મંથન
જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટ અને ગુજરાત રાજ્ય પરિવર્તન સંસ્થા (ગ્રીટ) ના સંયુક્ત ઉપક્રમે ઈમ્પિરિયલ હોટલ ખાતે રીજીયોનલ સ્ટેકહોલ્ડર ક્ધસલ્ટેશન વર્કશોપ યોજાયો હતો.
વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતના ધ્યેયમંત્ર સાથે રાજ્ય સરકારે વિકસિત ગુજરાત2047નો ડાયનેમિક વિઝન ડોક્યુમેન્ટ- રોડમેપ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં તૈયાર કર્યો છે. આ વિઝન ડોક્યુમેન્ટમાં દર્શાવાયેલા ટૂંકા અને લાંબા ગાળાના લક્ષ્યો ધ્યાને લઈને વ્યુહાત્મક યોજનાઓની રચના માટે ગુજરાત રાજ્ય પરિવર્તન સંસ્થા (ગ્રીટ) થિંક-ટેન્ક તરીકે માર્ગદર્શન અને નેતૃત્વ પૂરું પાડી રહી છે. ત્યારે રાજકોટ ખાતે યોજાયેલ વર્કશોપમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ રાજકોટ અને જામનગર જિલ્લાના ઉદ્યોગ સાહસિકો અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખોએ જરૂૂરી સૂચનો રજૂ કર્યા હતા.
આ તકે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ ભારત આર્થિક વિકાસમાં જાપાનથી આગળ નીકળી ગયુ છે. પરંતુ યુએસ અને ચાઇનાના આર્થિક વિકાસ સુધી પહોંચવા વચ્ચે ઘણો ગેપ છે. આ ગેપને ઓછો કરવા શું કરવું તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નીતિ આયોગ જેમ રાજ્ય સરકારે ગ્રીટની સ્થાપના કરી છે. કલેકટરે વધુમાં કહ્યું હતું કે, રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ઉદ્યોગોની તથા મેગા પ્રોજેક્ટ માટે પૂરતી તકો છે. રાજકોટના ઈમીટેશન અને લઘુ સુક્ષ્મ ઉદ્યોગોના વિકાસને વધુ વેગ મળે તેમજ નવા ઉદ્યોગો સ્થપાય, જે રાજ્ય અને દેશના વિકાસમાં યોગદાન આપી શકે તે ઇચ્છનીય છે. મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરાએ ગ્રીટ સાથે જોડાયેલા અધિકારીઓને ગ્રાઉન્ડ લેવલથી આયોજન કરી સૌરાષ્ટ્રનો ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કરવા સુચન કર્યું હતુ. ઔદ્યોગિક વસાહત વિસ્તાર રહેવા લાયક શહેર બને જેમાં શિક્ષણ આરોગ્ય સહિતની માળખાકીય સુવિધાઓ મળે જેના માટે ખૂબ જ ગ્રાઉન્ડ લેવલથી કામ કરવું પડશે. અલગ અલગ ફિલ્ડ સાથે જોડાયેલા લોકોને મળીને તેમના અભિપ્રાયો લેવા, મેન પાવર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ચાની કીટલી કે નાની-નાની લારીવાળા આ બધા જ ઇકોનોમિક માસ્ટર પ્લાન્ટના ભાગ હોય છે જેથી તેઓને પણ ધ્યાનમાં રાખીને માસ્ટર પ્લાન તૈયાર કરવા સૂચન કર્યા હતા.
આ તકે જામનગર અને રાજકોટના ઉદ્યોગ સાહસિકો તેમજ અધિકારીઓએ ગ્રુપ ડિસ્કશન કર્યું હતુ. જેમા એગ્રીકલ્ચર, એન્જિનિયરિંગ, એગ્રી પ્રોસેસિંગ, ઇમિટેશન જ્વેલરી, સોલાર એનર્જી, આઇટી સર્વિસ, સ્ટાર્ટઅપ જીઆઇડીસી અને નોન જીઆઇડીસી વિસ્તારનો વિકાસ, ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રીફાઈનરી બાય પ્રોડક્ટ, ટેક્સટાઇલ, કૃષિ રોમટીરીયલ્સ, ટુરીઝમ ટ્રાન્સપોર્ટ સહિત મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી વિકસિત ગુજરાત વિકસિત ભારતના સંકલ્પને સાર્થક કરવા આ તમામ ક્ષેત્રોને વધુ સુદ્રઢ અને મજબૂત બનાવવાનો રોડ મેપ તૈયાર કરવા જરૂૂરી મંથન કરાયું હતું.આ ઉપરાંત યુવા માઈન્ડ પાવરનો સૌરાષ્ટ્રના વિકાસમાં ઉપયોગ કરવો, આઈ.આઈ.ટી આઈ.આઈ.એમ જેવી શૈક્ષણિક સંસ્થા સ્થાપવી, ઔદ્યોગિક વિસ્તારોમાં જમીન, વીજળી, પાણી, રોડ રસ્તા, આરોગ્ય, સ્વચ્છતા, ફાયર વગેરે પ્રાથમિક જરૂૂરિયાતોને વધુ મજબૂત કરવા, ઉદ્યોગો સાથે જોડાયેલ લોકોને તાલીમો આપવી વગેરે અંગે સૂચનો રજૂ કરાયા હતા.
આ વર્કશોપમાં જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશી, મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી વૈષ્ણવ, એન્જિનિયરિંગ એસોસિએશન પ્રમુખશ્રી, જામનગર ચેમ્બર કોમર્સના પ્રમુખ જાડેજા સહિત ઉધોગપતિઓ, ગ્રીટની ટીમ તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.