રાજકોટના શખ્સે હવાલો આપ્યો છે કહી જૂનાગઢના બિલ્ડર પાસેથી સાત લાખ, 3.50 કરોડના ત્રણ ચેક પડાવ્યા
જૂનાગઢ પોલીસે ફરિયાદના એક કલાકમાં પાંચેય આરોપીને ઝડપી લીધા, કાયદાનુ ભાન કરાવાયુ
જૂનાગઢમાં જલારામ સોસાયટીમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ એપા. તથા ગોત્રી ગામ બરોડા રહેતા બિલ્ડર 76 વર્ષીય ભનુભાઇ જમનાદાસ સીતાપરાએ 1.45 કરોડ આપી દિધા હોવા છતા 5 શખ્સોએ મોતનો ભય બતાવી 7 લાખ કઢાવી લઇ 3.50 કરોડના 3 ચેક પણ લઇ ગયા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પંદર દિવસ પહેલા પત્નીને કેન્સર હોવાથી અમદાવાદ ગયા હતા ત્યાં દીકરી મનીષાના ઘરે રોકાયા હતા અને તા. 27-06-2025ના રોજ જૂનાગઢ ખાતે ઝાંઝરડા રોડ પર બે બ્લોક વેચવા માટે મુકેલ હોય તેના કામ સબબ એકલો અમદાવાદ થી જુનાગઢ ખાતે આવેલો હતો. તા. 28-06-2025ના રોજ ઘરે સૂતો હતો એવામાં સવારના 7:30 વાગે મારા ઘરે આરીફભાઈ સેતા રહે. કતકપરા વાળોએ કૈલાસ બાટવીયા, ગોપાલ ડાંગર, પ્રકાશ ઉર્ફે પકોડી તન્ના રહે. માણાવદર તથા ઇમરાન સેતા રહે. કતકપરાની ઘરમાં ઘૂસી દરવાજો બંધ કરી દીધો હતો અને તારે અગાઉ રાજકોટના ચંદ્રેશ પટેલની સાથે લેતી દેતી થયેલ છે તારે ચંદ્રેશભાઇ ને જે રૂૂપિયા આપવાના છે તેનો હવાલો મેં રાખી લીધેલ છે જેથી હવે તારે ચંદ્રેશને આપવાના છે તે રૂૂપિયા મને આપી દે નહીં તો તને જાનથી મારી નાખીશ તેમ કહી આરીફે રૂૂપિયાની માંગણી કરી હતી.
ચંદ્રેશભાઇને ના કહી દો તેમ કહેતા આરીફે ઉશ્કેરાઈ જઈને લાકડી વડે ચારેક ઘા પીઠ પર મારી જો તું રૂૂપિયા નહીં આપે તો મારી નાખીશ ધમકી આપી ડરાવ્યો હતો. તેની સાથે આવેલાએ ઢીકાપાટુનો માર મારતા મને જાનનું જોખમ જણાતા મેં તેઓને રૂૂપિયા આપવાની હા પાડયા બાદ મેં મારા મહેતાજી રાહિલભાઈને ફોન કરી તેને મિતુલભાઈએ જણાવેલ જગ્યાએ મોકલતા થોડીવાર બાદ રાહિલભાઈએ ઘરે આવી રૂૂપિયા 5 લાખ મને આપેલ જેથી રૂૂપિયા 5 લાખ આરીફને આપી દીધા હતા. તે વખતે આરીફે તું મને અત્યારે 3 ચેક લખી આપ તેમ કહેતા જેથી મારી પાસેની જૂનાગઢ બેંક ઓફ બરોડાની ચેક બુકમાંથી સવા કરોડના બે અને એક કરોડનો એક એમ કુલ ત્રણ ચેક લખી આપ્યા હતા. મારે આરીફ કે ચંદ્રેશભાઇને કોઈ નાણાં ચૂકવવાના ન હતા.
ફરિયાદના પગલે આરોપીઓને ઝડપી લેવા માટે એસપી સુબોધ ઓડેદરાની સૂચના અને ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાના માર્ગદર્શનમાં ક્રાઈમ બ્રાન્ચની બે ટીમ બનાવવામાં આવી હતી અને ફરિયાદના એક કલાકમાં જ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ જે. જે. પટેલની 2 ટીમે આરીફ સેતા, કૈલાશ બાટવીયા, ગોપાલ ડાંગર, પ્રકાશ ઉર્ફે પકોડી તન્ના અને ઈમરાન સેતાને તેના બેઠકના સ્થાનેથી દબોચી વધુ તપાસ માટે બી ડિવિઝનને સોંપતા પીઆઇ એ.બી.ગોહિલે પુછપરછ હાથ ધરી હતી.