જાફરાબાદના લોથપુરમાં લોક સુનાવણીમાં ધબાધબી
- ઇન્ડો-એશિયા કોપર પ્લાન્ટના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે ખુરશીઓ ઉલળી
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકના લોથપુર ગામ નજીક ઈન્ડો એશિયા કોપર લિમિટેડ કંપની દ્વારા સ્થાપવામાં આવી રહેલા પ્લાન્ટને લઈને ગઇકાલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા લોકસુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ દરમિયાન પ્લાન્ટનો વિરોધ કરી રહેલા અને સમર્થન કરી રહેલા લોકો સામ-સામે આવી જતાં ખુરશીઓ ઉછળી હતી.
જેના પગલે થોડા સમય માટે વાતાવરણમાં તંગદીલી જોવા મળી હતી. જો કે પોલીસ દ્વારા કેટલાક લોકોની અટકાયત કરીને મામલો થાળે પાડવામાં આવ્યો હતો.હકીકતમાં ઈન્ડો-એશિયા કોપર લિમિટેડ દ્વારા હજારો કરોડો રૂૂપિયાના ખર્ચે લોથપુર ગામ નજીક 15 હજાર કરોડ રૂૂપિયાનો પ્લાન્ટ નાંખવાની તૈયારી ચાલી રહી છે. આ પ્લાન્ટથી સ્થાનિક લોકોને રોજગારી પૂરી પાડવામાં આવશે તેવો કંપની દાવોકરી રહી છે. બીજી તરફ પ્રદૂષણની સંભાવિત અસરોને જોતા કેટલાક સ્થાનિકો પ્લાન્ટનો વિરોધ કરી રહ્યાં છે.
આ માટે જીપીસીબીના અધિકારી અને પ્રાંત અધિકારીની હાજરીમાં લોકસુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કાગવદર, લોઠપુર, કથરિયા, વાંઢ, લુણસાપુર, ભચાદર સહિત આસપાસના ગામોના સરપંચો સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન કેટલાક લોકોએ કંપનીના સમર્થનમાં તો કેટલાક લોકોએ કંપનીનો વિરોધ દર્શાવતા બેનરો બતાવ્યા હતા. જેના પગલે બન્ને જૂથના લોકો સામ સામે આવી ગયા હતા.
આ દરમિયાન ખુરશીઓ ઉછળતા મામલો તંગ બન્યો હતો. જો કે ફરજ પરના પોલીસ જવાનોએ કેટલાક ઈસમોની અટકાયત કરીને તેમને કાર્યક્રમ સ્થળેથી દૂર લઈ ગયા હતા.
એક તરફ કંપની દ્વારા 8 હજાર સ્થાનિક યુવાઓને રોજગારી આપવા સાથે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને વેગ મળવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે, જો પ્લાન્ટ સ્થપાશે તો, અમારા બગાયતના પાકોને નુક્સાન થઈ શકે છે.