For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડાંગર, બાજરી, જુવાર, મકાઇ, મગફળી સહિતના ટેકાના ભાવો નક્કી કરી કેન્દ્રને દરખાસ્ત

12:31 PM Feb 01, 2024 IST | Bhumika
ડાંગર  બાજરી  જુવાર  મકાઇ  મગફળી સહિતના ટેકાના ભાવો નક્કી કરી કેન્દ્રને દરખાસ્ત

કૃષિ મંત્રી રાઘવજી પટેલના નેતૃત્વમાં રાજ્ય કૃષિ ભાવપંચની બેઠક સંપન્ન

Advertisement

ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય કૃષિ ભાવપંચની બેઠક મળી હતી. વર્ષ 2024-25 માટે ખરીફ પાકોના ટેકાના ભાવોની ભલામણ કરવા મળેલી આ બેઠકમાં અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા તેમજ કૃષિ રાજ્ય મંત્રી બચુ ખાબડ ઉપસ્થિત રહ્યા હતા.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોને તેમની ખેતપેદાશો અને ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે અને ખેડૂતો આર્થિક રીતે સદ્ધર થાય તેવા નેક હેતુસર ભારત સરકાર દ્વારા દર વર્ષે ટેકાના ભાવ જાહેર કરીને ખરીફ અને રવિ પાકોની ખરીદી કરવામાં આવે છે. ટેકાના ભાવની પોલિસી અંતર્ગત સમાવિષ્ટ ખરીફ પાકો પૈકી ગુજરાતના ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, તુવેર, મગ, અડદ, મગફળી, તલ અને કપાસ(લંબતારી)પાકના ભારત સરકાર દ્વારા આગામી વર્ષ માટે ટેકાના ભાવની દરખાસ્ત મંગાવવામાં આવી છે.

Advertisement

તેમણે ઉમેર્યું હતું કે, દર વર્ષે ખેડૂતો વાવેતર કરે તે અગાઉ જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, જેથી ખેડૂતો નિશ્ચિંત થઈ વાવેતર કરી શકે. રાજ્ય કૃષિ ભાવપંચની બેઠકમાં પાકવાર ખેતી ખર્ચ, કૃષિ ઇનપુટના ભાવો બાબતે ખેડૂત પ્રતિનિધિઓ અને કૃષિ વિભાગના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. પુખ્ત વિચારણા અને નિષ્ણાતો દ્વારા નક્કી કરાયેલા ભાવોને ધ્યાને લઇ વર્ષ 2024-25 માટે ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, તુવેર, મગ, અડદ, મગફળી, તલ અને કપાસ(લંબતારી)પાકના રાજ્ય કૃષિ ભાવપંચ દ્વારા ભાલામણ કરવાના થતા ભાવ નક્કી કરવામાં આવ્યા છે, જે ભારત સરકારના કૃષિ ખર્ચ અને ભાવપંચને સમયસર મોકલી આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.

વર્ષ 2024-25માં ટેકાના ભાવ નક્કી કરવા માટે ડાંગર માટે રૂૂ. 2800 પ્રતિ ક્વિન્ટલ, બાજરી માટે રૂૂ. 3350 પ્રતિ ક્વિન્ટલ, જુવાર માટે રૂૂ. 5500 પ્રતિ ક્વિન્ટલ, મકાઈ માટે રૂૂ. 4500 પ્રતિ ક્વિન્ટલ, તુવેર માટે રૂૂ. 9000 પ્રતિ ક્વિન્ટલ, મગ માટે રૂૂ. 9500 પ્રતિ ક્વિન્ટલ, અડદ માટે રૂૂ. 9250 પ્રતિ ક્વિન્ટલ, મગફળી માટે રૂૂ. 8000 પ્રતિ ક્વિન્ટલ, તલ માટે રૂૂ. 11,500 પ્રતિ ક્વિન્ટલ તેમજ કપાસ(લંબતારી) માટે રૂૂ. 10,000 પ્રતિ ક્વિન્ટલ ભાવ નક્કી કરી સમયસર કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવશે, તેમ મંત્રી પટેલે ઉમેર્યું હતું.

આ બેઠકમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ, ખેતી નિયામકશ્રી અને બાગાયત નિયામક સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ ખેડૂત આગેવાનો/ પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી પોતાના પ્રતિભાવો આપ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement