બરડા ડુંગર, ઘુમલી સહિતના સ્થળોને ટ્રેકિંગ પોઇન્ટ તરીકે વિકસાવવા રજૂઆત
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેક ઐતિહાસિક સ્થળોનો વિકાસ પ્રવચન ક્ષેત્ર તરીકે થાય તેવા ઉજળા સંજોગો જોવા મળી રહ્યા છે. અહીંના વિશાળ દરિયાકાંઠા સાથે ઔષધીય વનસ્પતિ વચ્ચે ટ્રેકિંગને વેગ તેમજ ઉત્તેજન મળે તે હેતુથી જુદા જુદા સ્થળોને ટ્રેકિંગ પોઇન્ટ બનાવવા માટેની રજૂઆત કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઐતિહાસિક તેમજ અનેક ધર્મ સ્થળો સાથે જ્યાં વનસ્પતિઓનો પણ ભંડાર છે, તે ભાણવડ નજીક આવેલા બરડા ડુંગરનો પર્વતારોહણમાં ટ્રેકિંગ માટે બેઝિક કોર્ષના સ્થળ તરીકે વિકસાવવા માટે રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાને સ્થાનિક અગ્રણી ડો. રમેશભાઈ ભટ્ટ તથા હિતેન્દ્રભાઈ આચાર્ય દ્વારા રજૂઆતો કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં એકમાત્ર જુનાગઢ ખાતે પર્વતારોહણની તાલીમ તથા સર્ટીફીકેટનો બેઝિક કોર્સ સાથે અન્ય કોર્ષ થાય છે. જૂનાગઢમાં ગિરનાર પર્વત જેવો બરડા ડુંગર પણ પર્વતારોહણની પ્રાથમિક તાલીમ આપવા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. બરડા ડુંગર નજીકના વિસ્તાર એવા ઘુમલી આશાપુરા મંદિર, ભીમનાથ મહાદેવ, વિકિયા વાવ, સોન કંસારીના દેરા, આભાપારા સહિતની અનેક સુંદર જગ્યાઓ પણ અહીં આવેલી છે. જ્યાં ડુંગરોમાં કેડીઓ બનાવી અને ટ્રેકિંગ કરતા જવાય છે. હાલ આ તમામ સ્થળે ખૂબ જ રમણીય વાતાવરણ અને ખળખળ વહેતા ઝરણામાં મોટી સંખ્યામાં લોકો ઘુમલી, ભીમનાથ, સોન કંસારી, આભાપરા અને વિકિયા વાવ આવે છે.
આ વિસ્તાર ડેસ્ટિનેશન અને પ્રી-વેડિંગ સહિતની ફોટોગ્રાફી માટે પણ ખૂબ જ આકર્ષણ રૂૂપ છે. ત્યારે જો અહીં કાયમી ધોરણે પર્વતારોહણની તાલીમ સંસ્થાઓ દ્વારા અપાય તો બરડા ડુંગરનો પણ વિકાસ થાય. સાથે દ્વારકા જિલ્લાના યુવાનોને જુનાગઢ જેવા સ્થળે જવું ન પડે. અહીં પ્રાકૃતિક વાતાવરણમાં પર્વતારોહણ થઈ શકે. જેથી દ્વારકા જિલ્લામાં પ્રવાસન તેમજ ટ્રેકિંગ બાબતને પણ ઉત્તેજન મળે તેવી પરિસ્થિતિ વચ્ચે આ રજૂઆતોને રાજ્યના પ્રવાસન વિભાગના કેબિનેટ મંત્રી દ્વારા હકારાત્મક પ્રતિસાદ સાંપળ્યો છે.