ઉપલેટાના સુપેડી ગામ પાસે હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સની બસ અચાનક ભડકે બળી
ઘણી વખત સમાચારોમાં કાર, બસ, ટ્રક, મોટરસાયકલ વગેરેમાં અચાનક આગ ફાટી નીકળવાના બનાવો બનતા હોય છે ત્યારે ગતરોજ ઉપલેટા નજીક સુપેડી ગામ પાસે ઉપલેટાની ખાનગી ટ્રાવેલ્સની બસ પોરબંદર થી રાજકોટ મેસેન્જરોને લઈને જઈ રહી હોય એ દરમિયાન ઉપલેટા અને ધોરાજી વચ્ચે સુપેડી પાસે અચાનક બસમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી.ઉપલેટા શહેરના જીન મીલ ચોક પાસે આવેલ શક્તિ ટ્રાવેલ્સની ખાનગી બસ પોરબંદર થી વાયા ઉપલેટા થઈ રાજકોટ જઈ રહી હોય ત્યારે બસ ધોરાજીના સુપેડી પાસે પહોંચતા અચાનક બસમાં ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગતા ડ્રાઈવરની સમય સૂચકતાને કારણે તમામ પેસેન્જરોને માલ સામાન સાથે નીચે ઉતારી દેતા જાનહાની ટળી હતી.
નેશનલ હાઇવે પર આગ લાગવાને કારણે અફરાતફરી મચી જવા પામી હતી અને ટ્રાફિક જામ સર્જાયો હતો. ધોરાજી નગરપાલિકા ફાયર ફાઈટર ઘરના સ્થળે પહોંચી આગ કાબુમાં મેળવવાનો પ્રયત્ન હાથ ધરાયો હતો પરંતુ આગ કાબુમાં આવે ત્યાં સુધીમાં બસ આગમાં ખાખ થઈ ગઈ હતી. ધોરાજી નગરપાલિકા ફાયર ફાઈટર દ્વારા સખત પ્રયત્નો હાથ ધરાયા હતા. બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો નેશનલ હાઈવે પર ટોળે વળ્યા હતા. ડ્રાઇવરના જણાવ્યા મુજબ વાયરીંગમાં શોર્ટ સર્કિટને કારણે ચાલુ બસે આગ લાગી હોવાનું જણાવ્યું હતું.