વેપારીઓનું 290 કિલો ચાંદી લઇ ફરાર થયેલો શખ્સ ઝડપાયો
પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે ઉતરાખંડમાં સાત દિવસ સુધી વોચ ગોઠવી દબોચી લીધો
રાજકોટના સામાકાંઠના વિસ્તારમાં અલગ અલગ 17 જેટલા વેપારીઓ પાસેથી ઢોલરીયા પિતા-પુત્રની જોડીએ વિશ્ર્વાસમાં લઇ 290 કિલો ચાંદી રૂ. 2.28 કરોડનું લઇ પરત નહી આપી ફરાર થઇ ગયા બાદ વેપારીઓએ ધારાસભ્યને જાણ કર્યા બાદ બી ડિવીઝન પોલીસ મથકમાં છેતરપીંડી અને વિશ્ર્વાસઘાતની કલમ હેઠળ ફરીયાદ નોંધાવી હતી. આ ઘટનામાં પોલીસે સુરેશ ઢોલરીયાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. પરંતુ તેમનો પુત્ર અઢી વર્ષથી પોલીસ પકડથી દુર હોય રાજકોટ શહેરની પેરોલ ફર્લો સ્કવોર્ડે કેતન ઢોલરીયાને ઉતરાખંડમાંથી ઝડપી લઇ સ્થાનીક પોલીસ મથકને હવાલે કરી દીધો છે.
પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમના પીઆઇ સી. એચ. જાદવ, પીએસઆઇ જે. જી. તેરૈયા, એએસઆઇ અમૃતભાઇ મકવાણા, ઝહીરભાઇ ખફીફ, રાજદિપસિંહ ચૌહાણ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રોહિતભાઇ કછોટ, કુલદીપસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ ઝાલા, શાંતુબેન મુળિયા, દોલતસિંહ રાઠોડ અને સિરાજભાઇ ચાનીયા સહીતની ટીમ રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારમાં 17 થી વધુ વેપારીઓ પાસેથી 290 કિલો ચાંદી લઇ ફરાર થઇ ગયેલા કેતન ઢોલરીયાને પકડવા છેલ્લા ર મહીનાથી કામે લાગી હતી. આ ટીમને દશેક દિવસ પહેલા એક લીંક મળી હતી. તે છેતરપીંડીનો આરોપી કેતન ઢોલરીયા ઉતરાખંડના રૂદ્રપુર શહેરમાં છુપાઇને રહે છે.
ત્યારબાદ રાજકોટ પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે વેશપલ્ટો કરી રૂદ્રપુર શહેરમાં 7 દિવસ વોચ ગોઠવી હતી અને કેતન ઢોલરીયા વિશે માહીતી એકત્રીત કરી હતી અને મોકો જોઇ કેતન ઉર્ફે વાસુ સુરેશભાઇ ઢોલરીયા (ઉ.વ. 37, સદગુરૂ ગેટ નં ર મકાન નં. 69, કુવાડવા રોડ રાજકોટ, હાલ રહે. હોટલ સાંઇ પેલેસ રૂમ નં 40પ, 4થો માળ કાશીપુર બાયપાસ રોડ, બીકાનેર સ્વીટ માર્ટ દુકાનની પાછળ જીલ્લો-રૂદ્રપુર રાજય-ઉતરાખંડ) ને ઝડપી લીધો હતો. હાલ આરોપીને ક્રાઇમ બ્રાંચ પોલીસ મથકમાં સોપી દેવામાં આવ્યો છે.
રાજકોટથી ભાગી ઉત્તરાખંડમાં સ્કૂલ બસ ચલાવતો, હોટેલમાં વેઇટરની નોકરી કરતો
2.28 કરોડના છેતરપીંડીના ગુનામાં રાજકોટના કેતન ઢોલરીયા ભાગીને ઉતરાખંડ રહેવા જતો રહયો હતો અને ત્યા મોબાઇલ નંબર તેમજ મોબાઇલ અલગ વાપરતો હોય જેથી પોલીસ ટ્રેસ ન કરી શકે. પોલીસે તપાસ કરતા આરોપી કેતન ઉતરાખંડના રૂદ્રપુરમાં આવેલી હોટલ સાંઇ પેલેસમાં રહેતો અને ત્યા વેઇટર તરીકે નોકરી કરતો હતો તેમજ અન્ય સમયે સ્કુલ બસમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો.