ઘંટેશ્ર્વર ચોકડી પાસે રાહદારી યુવકને અજાણ્યા કારચાલકે ઉલાળ્યો
હોટલમાં કામ કરી ઘરે પરત ફરતા નેપાળી યુવાનને નડ્યો અકસ્માત: સારવારમાં
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક ઘટનામાં ઘંટેશ્વર ચોકડી પાસે હોટલમાંથી કામ કરીને ઘરે પરત ફરેલા રાહદારી નેપાળી યુવકને અજાણ્યા કાર ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, 150 ફુટ રીંગ રોડ પર કે.કે.વી ચોક નજીક રહેતો નિરજ કરણભાઈ શાહી નામનો 22 વર્ષનો યુવાન રાત્રિના 11 વાગ્યાના અરસામાં ઘંટેશ્ર્વર ચોકડી પાસે પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા કાર ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં નિરજ શાહી મુળ નેપાળનો વતની છે. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી અકસ્માત સર્જી નાસી છુટેલા અજાણ્યા કાર ચાલકને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.