પડધરી પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા વિસામણના રાહદારી યુવકનું મોત
ચોટીલાના જીંજુડાની યુવતીનું બિમારી સબબ બેભાન હાલતમાં મૃત્યુ
પડધરીના વિસામણ ગામે રહેતો યુવાન પડધરી પાસેથી ચાલીને જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા બાઈક ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવકને સારવારમાં મોત નિપજતાં શ્રમિક પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, પડધરી તાલુકાના વિસામણ ગામે ખેત મજુરી અર્થે આવેલા લીલેશ બગવતભાઈ ભુરીયા નામનો 30 વર્ષનો યુવાન બે દિવસ પૂર્વે સવારના દસેક વાગ્યાના અરસામાં પડધરી પાસેથી ચાલીને જઈ રહ્યો હતો ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા બાઈક ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા શ્રમિક યુવાને સારવારમાં દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ચોટીલા તાલુકાના જીજુડા ગામે રહેતી રવિનાબેન રમેશભાઈ પરમાર નામની 18 વર્ષની યુવતીને પગમાં કેન્સરની બિમારી સબબ ચોટીલા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને આજે અમદાવાદ કેન્સરનો ડોઝ અપાવવા જવાનું હતું તે પૂર્વે જ યુવતીએ હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. મૃતક યુવતી એક ભાઈ ત્રણ બહેનમાં નાની હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.