શહેર ભાજપના 20 પદ માટે ત્રણ-ત્રણ નામની પેનલ બનાવાઇ
નિરીક્ષકોએ સંકલન સમિતિ સાથે બેઠક યોજી, દાવેદારોને વ્યક્તિગત સાંભળ્યા બાદ 60 દાવેદારોના નામ સાથે રવાના
રાજકોટ સહિત સમગ્ર ગુજરાત ભાજપમાં શહેર અને જિલ્લાના સંગઠનની રચના માટે આજે સેન્સ પ્રક્રિયા (પસંદગી પ્રક્રિયા) શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે આ પ્રક્રિયા અંતર્ગત પ્રદેશ ભાજપ તરફથી અમદાવાદના પૂર્વ મેયર બીજલબેન પટેલ અને પૂર્વ મહામંત્રી ભરતસિંહ પરમાર નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તમામ દાવેદારો સહિતના એક સાથે સાંભળ્યા બાદ વ્યકિતગત રીતે પણ હોદેદારો સાથે મુલાકાત કરી હતી. સંકલન સમિતિ દ્વારા ત્રણ-ત્રણ નામોની પેનલોના કવર બનાવીને નિરીક્ષકને સોંપવામાં આવ્યા હતા.
રાજકોટ શહેર ભાજપને નવા હોદ્દેદારો મળશે, જેમાં ત્રણ મહામંત્રી, આઠ મંત્રી, આઠ ઉપપ્રમુખ અને એક કોષાધ્યક્ષનો સમાવેશ થાય છે. સેન્સ પ્રક્રિયામાં ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા, વર્તમાન મેયર, ધારાસભ્યો, પૂર્વ મેયર, પૂર્વ ધારાસભ્યો અને રાજ્યસભાના સાંસદ સહિતના અપેક્ષિત નેતાઓ હાજર રહ્યા હતા. નિરીક્ષકો દ્વારા ધારાસભ્યો, સાંસદો અને અન્ય અગ્રણી નેતાઓને વન-ટુ-વન સાંભળવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ત્રણ-ત્રણ નામોની પેનલ તૈયાર કરીને ગુજરાત પ્રદેશ ભાજપને મોકલી આપવામાં આવી છે અને હવે અંતિમ જાહેરાત પ્રદેશ કક્ષાએથી જ કરવામાં આવશે.
સેન્સ પ્રક્રિયાની બેઠક દરમિયાન જ રાજકોટ શહેર ભાજપના કેટલાક નેતાઓએ નિરીક્ષકો સમક્ષ સ્પષ્ટ રજૂઆત કરી હતી કે, સંગઠનની નવી રચનામાં તમામ ગ્રુપના સભ્યોને સાચવી લેવામાં આવે.ખાસ કરીને, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના જૂથના નેતાઓનો પણ સંગઠનમાં સમાવેશ કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. તેમજ સંકલનમાં રહી પાર્ટીના હીતમાં રહી કામ કરે અને ભાજપની વિચારધારાને વરેલા હોય તેવા ઉમેદવારોને ચાન્સ આપવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. કમલમ ખાતે યોજાયેલ સેન્સ પ્રક્રિયામાં એક સાંસદ, ચાર ધારાસભ્ય, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ અને વર્તમાન પ્રમુખ તથા બે મહામંત્રી, મેયર તથા પ્રદેશના બે આગેવાનો અને એક પ્રભારીની સંકલન સમિતિ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
તેમજ પૂર્વ અગ્રણીઓ ઉમેશભાઇ રાજ્યગુરુ, વલ્લભભાઇ કથરીયા, ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી અને વજૂભાઇ વાળા સહિતનાએ સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. અગમ્ય કારણોસર સાંસદ પરોત્તમભાઇ રૂપાલા અને પ્રભારી જીતુભાઇ વાઘાણી હાજર રહ્યા ન હતા.
કાર્યાલય મંત્રીની સેન્સ ન લેવાઇ
કમલમ ખાતે આજ રોજ મહામંત્રી, ઉપાધ્યક્ષ મંત્રી અને કોષાધ્યક્ષ સહિતના 20 માટે સેન્સ પ્રક્રિયા નિરીક્ષકો દ્વારા લેવામાં આવેલ કુલ 22 હોદેદારો પૈકી 20 પદ માટેની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઇ ચૂકી છે. જ્યારે શહેર ભાજપ પ્રમુખની વરણી અગાઉથી થઇ ગયેલ છે અને કાર્યાલય મંત્રીની વરણી બાકી છે. પરંતુ કોઇ કારણોસર કાર્યાલય મંત્રી માટે સેન્સ લેવામાં ન આવી હોવાનુ જાણવા મળેલ છે.