માધાપર ચોકડી પાસે દીવાલ ધરાશાયી થતા દોઢ વર્ષના બાળકને ઇજા
શહેરમાં મેઘ તાંડવ વચ્ચે અનેક સ્થળે તારાજી સર્જાય છે ત્યારે માધાપર નજીક ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવારના દોઢ વર્ષના માસુમ પર દિવાલ પડતા માસુમને ઇજા પહોંચી હતી. માસુમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે માધાપરથી ઈશ્વરીયા મંદિરની બાજુમાં સાયન્સ સીટી પાસે ઝૂંપડામાં રહેતા પરિવારનો રોહિત રાકેશભાઈ કટારા નામનો દોઢ વર્ષનો માસુમ બાળક રમતો હતો ત્યારે વરસાદના કારણે દિવાલ ધરાશાઇ થતા માસુમને ઈજા પહોંચી હતી. માસુમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં પડધરીમાં આવેલી પાણીયારી શેરીમાં રહેતા યશવંતભાઈ નાથાભાઈ રાચ્છ નામના 65 વર્ષના વૃદ્ધ તારીખ 27ના રોજ સવારના આઠેક વાગ્યાના અરસામાં પડધરી સરકારી હોસ્પિટલ પાસે પાણીના વોકળામાં તણાઈ ગયા હતા લોકોએ યશવંતભાઈ રાચ્છને તાત્કાલિક બહાર કાઢી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.