સોમનાથ-ભાવનગર હાઇવેના જર્જરિત પુલ પર નવો રોડ બનાવી દેવાયો
નવો પુલ ન બનાવી ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ કાર્યક્રમમાં ભોપાળુ ખુલ્યું
ગુજરાતના સોમનાથથી ભાવનગર સુધી 3,500 કરોડથી વધુના ખર્ચે બનેલા નવનિર્મિત નેશનલ હાઈવેના નિર્માણકાર્યમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને બેદરકારીનો ના કિસ્સાઓ અવારનવાર સામે આવે છે ત્યારે વધુએક વાર નેશનલ હાઇવે ના કામમાં ભ્રષ્ટાચાર અને પોલમ પોલ થયાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI) દ્વારા કોડીનાર તાલુકાના પેઢાવાડા ગામ નજીક એક જૂના અને જર્જરિત પુલ પર જ નવો ફોર-ટ્રેક રોડ બનાવી દેવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે, જે ભવિષ્યમાં મોટી દુર્ઘટના નોતરી શકે છે.
પેઢાવાડા ગામના જાગૃત નાગરિક ભગવાનભાઈ બાલુભાઈ ડોડીયા દ્વારા આ મામલે છેલ્લા બે વર્ષથી સતત ફરિયાદો કરવામાં આવી રહી છે, પરંતુ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. બે વર્ષ પહેલાં ભગવાનભાઈ ડોડીયાએ જિલ્લા કલેક્ટરને આ અંગે રજૂઆત કરી હતી.
જેના પ્રત્યુત્તરમાં જિલ્લા કલેક્ટરે માત્ર NHAIને પત્ર લખીને સંતોષ માન્યો હતો. જોકે, આ જર્જરિત પુલના નીચેના ભાગે પોપડા પડી જતાં અને લોખંડના કટાઈ ગયેલા સળિયા દેખાઈ આવતાં, પરિસ્થિતિની ગંભીરતા વધુ સ્પષ્ટ બની હતી.
આ ગંભીર બેદરકારી અંગે વધુ એકવાર બીજા જાગૃત નાગરિક મનુભાઈ ડોડીયા દ્વારા ફરીથી મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરવામાં આવી હતી. આશ્ચર્યજનક રીતે, છેલ્લા છ મહિનાથી નિયમિત યોજાતા સ્વાગત કાર્યક્રમોમાં NHAIના કોઈ સક્ષમ અધિકારી હાજર રહ્યા ન હતા. તાજેતરમાં યોજાયેલા કાર્યક્રમમાં પણ સક્ષમ અધિકારીને બદલે એક અન્ય કર્મચારી હાજર રહ્યા હતા. તેમણે એવું જણાવ્યું હતું કે ફોર-ટ્રેકના કામમાં જૂના પુલ ઉપર જ રસ્તો બનાવવાનું એસ્ટિમેટ હતું. જોકે, જ્યારે તેમની પાસેથી પ્લાન અને એસ્ટિમેટની નકલ માંગવામાં આવી, ત્યારે તેઓ ગલ્લાંતલ્લાં કરી રહ્યા છે અને હજુ સુધી નકલ પૂરી પાડી નથી.
આ ઘટના અને NHAI અધિકારીઓના વર્તનથી એવો પ્રશ્ન ઊભો થાય છે કે સોમનાથથી ભાવનગર સુધીના આ ₹3,500 કરોડના ભવ્ય રોડમાં અન્ય ઘણી જગ્યાએ પણ જૂના નાળા-પુલિયા તોડ્યા વગર જ ઉપરથી નવો રસ્તો બનાવી દેવામાં આવ્યો હશે.ઉપરથી ભલે આ રસ્તો સુંદર દેખાતો હોય, પરંતુ નીચે રહેલો ભ્રષ્ટાચાર ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યો છે.
ત્યારે જાગૃત નાગરિકો દ્વારા તાત્કાલિક ધોરણે સોમનાથથી ભાવનગર સુધીના સમગ્ર રોડ પર આવેલા નાના-મોટા નાળા-પુલિયાની સઘન તપાસ કરવામાં આવે અને જ્યાં પણ જૂના માળખા પર જ નવો રોડ બનાવવામાં આવ્યો હોય, તેનું તાકીદે નવા બનાવવામાં આવે અથવા સમારકામ કરવામાં આવે તેવી પ્રબળ માંગણી ઉઠી છે. ખાસ કરીને કોડીનાર તાલુકાના પેઢાવાડા ગામ નજીકના જૂના પુલ પર બનાવેલા રસ્તાનું તાકીદે નવો બનાવવામાં આવે તે અત્યંત આવશ્યક છે. આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે લોક માંગ છે.