અતિવૃષ્ટિની કુદરતી ઘાત, ખેતરો ધોવાતા ખરીફ પાકને ભારે નુક્સાન
ગુજરાતમાં છેલ્લાં ત્રણ-ચાર દિવસથી વરસતા અનરાધાર વરસાદે ગુજરાતને જાણે તહસનહસ કરી નાંખ્યુ છે. મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે ત્યારે ચારેકોર પાણી પાણી થયુ છે. ખેતરોમાં ઉભા પાક પણ વરસાદી પાણીમાં છે. ખેતરો પણ જાણે બેટમાં ફેરવાયાં છે. આ જોતાં ફરી એકવાર ખેડૂતોના માથે મુસીબત આવી પડી છે. નિર્ણાયક સમયે પુરતો વરસાદ આવ્યો હોત તો ખેતીને ફાયદો થાય પણ અતિભારે વરસાદે અતિવૃષ્ટિ સર્જી છે. આ કારણોસર કચ્છ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં ચોમાસુ ખરીફ પાકને નુકસાન પહોચ્યુ છે.અત્યાર સુધી ગુજરાતમાં વરસાદની ઘટ વર્તાતી હતી. એટલુ જ નહીં, વરસાદની ખેંચને લીધે ખેડૂતો પણ આકાશ પર નજર માંડીને બેઠા હતાં કેમકે, આ સમયે વરસાદ ન પડે તો પાક બળી જવાનો ભય હતો. પણ ધાર્યુ એના કરતાં કઇક ઉલ્ટુ થયું. છેલ્લાં બે ત્રણ દિવસથી વરસતા અનરાધાર વરસાદે અતિવૃષ્ટિ માહોલ સર્જી દીધો છે.
રહેણાંક વિસ્તારોથી માંડીને ખેતરો વરસાદી પાણીમાં ગરકાવ થયા છે. રાજકોટ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, કચ્છ સહિતના વિસ્તારોમાં સતત વરસતા વરસાદને લીધે ખેતરો જાણે બેટમાં ફેરવાયા છે. ખેતરોમાં ઉભો પાક વરસાદી પાણીમાં છે. ખરીફ પાકને માત્ર પુરતો વરસાદની જરૂૂરિયાત હતી પણ અતિભારે વરસાદ ખેતી માટે આફતરુપ બન્યો છે. કઠોળ, તલ, કપાસ, મગફળી, શાકભાજી અને ઘાસચારાને વ્યાપક નુકશાન પહોચ્યુ છે. હજારો હેક્ટર જમીનમાં ખરીફ પાકનો સફાયો થયો હોવાનો અંદાજ છે.
રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં મરચાંના પાકને પણ નુકસાન થયુ છે તેવી ખેડૂતોએ ફરિયાદો કરી છે. વિધાનસભા સત્ર દરમિયાન જ રાજ્ય સરકારે ખેડૂતો માટે રૂૂ.350 કરોડનું પેકેજ જાહેર કર્યુ હતું પણ જે રીતે અતિભારે વરસાદને કારણે ખેતીને આખાય ગુજરાતમાં નુકસાન થયુ છે તે જોતાં લાગે છે કે, સરકારે વધુ મોટુ પેકેજ જાહેર કરવું પડશે. ખેડૂતોએ તો અત્યારથી નુકસાનનો સર્વે કરવા માંગ કરી છે. જે રીતે ખેતીને નુકસાન થયુ છે તે જોતાં ખેડૂતોને મોટુ આર્થિક નુકસાન વ્હોરવાનો વારો આવ્યો છે. માત્ર ખેતીને જ નુકસાન થયુ છે એવું નથી બલ્કે ભારે વરસાદને કારણે ખેતરોમાં જમીનનું ધોવાણ પણ થયુ છે તે જોતાં ખેડૂતોને બે બાજુએ માર પડયો છે. વરસાદી પાણી ઉતર્યા બાદ ઉઘાડ નીકળે પછી નુકસાનીનો અંદાજ આવી શકશે.