જામનગરમાં ચાલુ કારમાં આગ લાગી, ચાલક બહાર કૂદી જતાં બચાવ
જામનગરમાં પથિકાશ્રમ રોડ પર ગઈકાલે બપોરના સમયે ક્રિપાલસિંહ જાડેજા નામના કારચાલકની માલિકીની જીજે 10 એફ 4120 નંબરની કારમાં અચાનક ચાલુકારે આગ લાગી ગઈ હતી. અને કારના બોનેટના ભાગમાં વાયરીંગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે સ્પાર્ક થયા બાદ એકાએક ભડકો થયો હતો, અને આગ શરૂૂ થઈ ગઈ હતી.
તેથી કારચાલક ક્રિપાલસિંહ જાડેજા તુરતજ પોતાની કાર છોડીને બહાર નીકળી ગયા હતા, તેથી તેનો બચાવ થયો હતો, ત્યારબાદ પાસે જ આવેલા એક રોસ્ટરોન્ટના કર્મચારીઓ વગેરે પોતાની દુકાનમાંથી પાણીની ડોલ લઈ આવીને પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ બુજાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ સમયે કોઈ વ્યક્તિએ ફાયર બ્રિગેડને પણ જાણ કરી દીધી હતી, તેથી ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણપણે બુજાવી દીધી હતી. પરંતુ તે પહેલાં કારનો આગળનો હિસ્સા સળગી ઉઠ્યો હતો. પરંતુ સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી.