એસ્ટ્રોન સોસાયટીમાં જામફળ તોડવા ઝાડ પર ચડેલી સગીરા પટકાતાં મોત
શહેરની એસ્ટ્રોન સોસાયટીમાં રહેતા જાણીતા ચાના વેપારી પરિવારની દિવાળી ચિતાતુર રહી હતી. પરિવારની 16 વર્ષીય પુત્રી ઝાડ પરથી પટકાતાં માથાના ભાગે પહોંચેલી ઈજા જીવલેણ નિવડી હતી અને આખરે ઘટનાના 12 દિવસ બાદ સગીરાએ સારવારમાં દમ તોડી દેતા લાડકવાઈના મૃત્યુથી પરિવાર શોકમગ્ર બની ગયો છે.
આ અંગેની વિગતો મુજબ, એસ્ટ્રોન સોસાયટી શેરી નં.5માં આદેશ વિલા માં રહેતા રાજકોટના અગ્રણી મહાજન અને જાણીતા ચાના વેપારી અનંતરાય ઉનડકટની પૌત્રી ખુશી મનોજકુમાર ઉનડકટ (ઉંમર 16) ગત તારીખ 14 ઓક્ટોબરના રોજ ઘરના કમ્પાઉન્ડમાં રહેલા જામફળના ઝાડ પર ચડી ફળ તોડી રહી ત્યારે નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તુરંત જ તેણીને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અહીં 12 દિવસ સુધી મોત સામે લડયા બાદ આખરે શનિવારે તેણીએ આંખ મીચી દીધી હતી. બનાવ અંગે જાણ થતાં માલવિયા પોલીસ મથકના એએસઆઈ હર્ષદ પરમાર સહિતનો સ્ટાફ હોસ્પિટલે પહોંચી જરૂૂરી કાર્યવાહી બાદ મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, અકસ્માત બાદ ખુશીના કાનમાંથી લોહી નીકળી ગયું હતું અને ત્યારબાદથી તે બેશુધ્ધ હાલતમાં હતી. તબીબોની ટીમ દ્વારા સગીરાની જિંદગી બચાવવા પ્રયાસો કરવામાં આવ્યા પણ માથાના ભાગે પહોંચેલી ઈજા જીવલેણ સાબિત થઇ હતી. મૃતક ખુશીના દાદા અનંતરાય રાજકોટના એક જાણીતા ચાના વેપારી છે. તેમજ તેણીના પિતા મનોજકુમાર ચાના વેપારી છે. ખુશી એક ભાઈ અને બહેનમાં નાની હતી.
દિવાળીના મહા પર્વે વેપારી પરિવાર માટે ચિતાતુર રહ્યું હતું. સગા-સબંધીઓ પણ નાની ખુશી માટે સતત પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે શનિવારે રાત્રિના ઉનડકટ પરિવારની ખુશી છીનવાઈ ગઈ હતી.