મોરબીના બગથળામાં ધૂળ-જાળા કરતી સગીરા ગબડી પડતા મોત
મોરબીના બગથડા ગામે રહેતી સગીરા દિવાળીના પર્વ પૂર્વે પોતાના ઘરે ધૂળ-જાળા કરતી હતી ત્યારે અકસ્માતે ગબડી પડી હતી. સગીરાની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઈ જવા પામ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબી તાલુકાના બગથડા ગામે રહેતી શોભનાબેન જશમતભાઈ મકવાણા નામની 17 વર્ષની સગીરા પોતાના ઘરે બપોરના બારેક વાગ્યાના અરસામાં ધૂળ-જાળા કરતી હતી ત્યારે અકસ્માતે ગબડી પડી હતી. સગીરાને ગંભીર ઈજા પહોંચતાં બેભાન હાલતમાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં સગીરાની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
મૃતક સગીરા એકના એક ભાઈની એકની એક બહેન હતી અને ધૂળ-જાળા કરતી વખતે અકસ્માતે ગબડી પડતાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત બીજા બનાવમાં મોરબીના લીલાપર ગામે આવેલ સોહમ પેપર મીલમાં કામ કરતાં પરિવારનો શિવમ સુરેશભાઈ મચ્ધાર નામનો દોઢ વર્ષનો માસુમ બાળક મધરાત્રે રમતા રમતા ત્રીજા માળેથી અકસ્માતે નીચે પટકાયો હતો. માસુમ બાળકને ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં ઈજાગ્રસ્ત શિવમનો પરિવાર મુળ મધ્યપ્રદેશનો વતની છે અને શિવમ બે ભાઈમાં મોટો છે. ઉપરોકત બન્ને બનાવ અંગે મોરબી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
