હળવદના ઘનશ્યામપુરમાં ભાઈ સાથે મોબાઈલ મુદ્દે ચડભડ થતાં સગીરાએ ઝેર પીધું
હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે પરિવાર સાથે ખેત મજુરી અર્થે આવેલી સગીરાએ મોબાઈલ મુદ્દે ભાઈ સાથે ચડભડ થતાં ઝેરી દવા પી લીધી હતી. સગીરાને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, હળવદનાં ઘનશ્યામપુર ગામે રહેતી જયોત્સનાબેન કંચનભાઈ નાઈ નામની 16 વર્ષની સગીરા બે દિવસ પૂર્વે સાંજના સાતેક વાગ્યાના અરસામાં વાડીએ હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી. સગીરાને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પુછપરછમાં જયોત્સનાબેન નાઈ મુળ છોટાઉદેપુરની વતની છે અને બે ભાઈ એક બહેનમાં વચેટ છે. ભાઈ સાથે મોબાઈલ મુદ્દે બોલાચાલી થતાં ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું હતું.
આ ઉપરાંત બીજા બનાવમાં કાલાવડના મુરીલા ગામે રહેતી નિતાબેન વિનોદભાઈ પરમાર નામની 30 વર્ષની પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી ફિનાઈલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતાને બેશુધ્ધ હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.