જામકંડોરણાના ખાટલી ગામના સગીરનું બાઈક અકસ્માતમાં મોત
જામકંડોરણાના ખાટલી ગામે રહેતો સગીર ગોંડલથી મજુર તેડીને બાઈક લઈને પરત ફરી રહ્યો હતો ત્યારે ફોફડ પુલ પર સગીરે ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા સગીરની સારવારમાં મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, જામકંડોરણાના ખાટલી ગામે રહેતાં જયંતિભાઈ ગોરધનભાઈ વાગડીયાની વાડીએ ખેતી કામ કરતાં રાજુ સંતોષભાઈ બામણીયા નામના 17 વર્ષનો સગીર બે દિવસ પૂર્વે સવારનાં દસેક વાગ્યાના અરસામાં બાઈક લઈને ભાદર નદીની બાજુમાં આવેલ ફોફડ પુલ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સગીરે ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં બાઈક સ્લીપ થયું હતું. બાઈક અકસ્માતમાં ઘવાયેલા સગીરને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક સગીર ત્રણ ભાઈ ત્રણ બહેનમાં વચેટ હતો અને ગોંડલથી મજુર તેડીને પરત ફરતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.બીજા બનાવમાં કેશોદમાં આવેલા ગાયત્રી મંદિરની બાજુમાં રહેતાં નાગરાજભાઈ કતરાભાઈ વાઢીયા નામના 45 વર્ષના પ્રૌઢ બે દિવસ પૂર્વે પોતાના ઘરે હતા ત્યારે સંધ્યા ટાણે સીડીના પગથીયા પરથી ગબડી પડતાં ઈજા પહોંચી હતી. પ્રૌઢને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.