કાળઝાળ ગરમીથી બચવા મિત્રો સાથે ખાણમાં નાહવાફ પડેલા સગીરનું ડૂબી જતા મોત
મૂળ ઓરિસ્સાના વતની અને હાલ લોધિકાના મેટોડા જીઆઇડીસીમાં રહેતા પરિવારનો 16 વર્ષનો સગીર ગઈકાલે કાળઝાળ ગરમીથી બચવા મિત્રો સાથે ખીરસરા ગામની સીમમાં પાણીની ખાણમાં ન્હાવા માટે ગયો હતો જ્યાં પાણી ભરેલી ખાણમાં ડૂબી જવાથી સગીરનું મોત નીપજ્યું હતું. માતા-પિતાના આધાર સ્થભ એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ ઓરિસ્સાના વતની અને હાલ લોધિકાના મેટોડા જીઆઇડીસીમાં રહેતા પરિવારનો જતીન પરશુરામ શાહુ નામનો 16 વર્ષનો સગીર ગઈકાલે પોતાના મિત્રો સાથે ખીરસરા ગામની સીમમાં આવેલી પાણીની ખાણમાં ન્હાવા માટે ગયો હતો. જ્યાં જતીન શાહુ મિત્રો સાથે પાણીની ખાણમાં ન્હાવા પડ્યો હતો ત્યારે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
આ ઘટના અંગે જાણ થતા પોલીસ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં શોધખોળ દરમિયાન જતીન શાહુનો મૃતદેહ હાથ લાગતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક સગીર તેના માતા-પિતાને આધાર સ્થભ એકનો એક પુત્ર હતો અને કાળઝાળ ગરમીથી બચવા મિત્રો સાથે ન્હાવા ગયો હતો ત્યારે ડૂબી ગયો હતો.ફાયર બ્રિગેડના સ્ટાફે 40 મિનિટ સુધી શોધખોળ હાથ ધરી હતી પરંતુ સગીરનો મૃતદેહ હાથ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મેટોડા પોલીસ મથકના એએસઆઈ સુરભીબેન કેશવાલા સહિતના સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.