ખંભાળિયાની સૂકી ખેતી કેન્દ્ર ખાતે ધાબા પરથી પરપ્રાંતીય યુવાનનું પડી જતાં મૃત્યુ
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મૂળ રહીશ એવા બાબુભાઈ કાળુભાઈ ભાભોર નામના 29 વર્ષના યુવાન થોડા દિવસો પૂર્વે ખંભાળિયા નજીક આવેલા સૂકી ખેતી કેન્દ્ર સ્થિત મેડિકલ કોલેજના ધાબા પર વોટર પ્રુફ ટીકડી ચોંટાડવાનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન રાત્રિના સમયે અકસ્માતે બીજા માળેથી નીચે પટકાઈ પડતા ગંભીર ઇજાઓ સાથે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગેની જાણ મૃતકના મોટાભાઈ ભરતભાઈ કાળુભાઈ ભાભોરએ અહીંની પોલીસને કરી છે.
હુમલો
કલ્યાણપુર તાલુકાના વીરપર ગામે રહેતા પરબતભાઈ દાનાભાઈ ચાવડા નામના 44 વર્ષના યુવાને આ જ વિસ્તારમાં રહેતા પાલા રામદે ચાવડા, રમેશ પાલા ચાવડા અને ગોવિંદ પાલા ચાવડાની સાથે ભાઈઓ ભાગમાં આવેલી સંયુક્ત જમીનમાં ફરિયાદી પરબતભાઈ તથા સાહેદ તેમના ભાઈ હમીરભાઈ દાનાભાઈ ચાવડા પોતાના ભાગની જમીન વાવેતર કરવા ટ્રેક્ટરથી ખેડતા હતા. તે દરમિયાન આરોપીઓએ પાલા રામદે રમેશ રામદે પાલા અને ગોવિંદ પાલાએ અહીં આવી અને બોલાચાલી કરી, લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. જેથી ફરિયાદી પરબતભાઈને ફ્રેક્ચર સહિતની તેમજ હમીરભાઈને પણ નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે ત્રણેય પિતા-પુત્રો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
અકસ્માત
કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામે રહેતા રામદેભાઈ નાંજાભાઈ સિંગરખીયા નામના પ્રૌઢ તેમના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે ગોરાણા ગામના પાટીયા પાસે પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જીજે 18 બીબી 8615 નંબરના એક મોટરકારના ચાલકે રામદેભાઈના મોટરસાયકલ સાથે અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે તેમને વ્યાપક ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ભોજાભાઈ નાંજાભાઈ સિંગરખીયા (ઉ.વ. 65) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
