દ્વારકા પદયાત્રાએ નીકળેલા આધેડ બેભાન હાલતમાં ઢળી પડતાં જિંદગીની યાત્રા પૂરી
ટંકારા તાલુકાના બગાવડી ગામે રહેતા આધેડ દ્વારકા પદયાત્રાએ નીકળ્યા હતા ત્યારે ખંભાળિયાના લીંબડી પાસેથી બેભાન હાલતમાં મળી આવતા સારવારમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર મળે તે પૂર્વે જ મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ટંકારા તાલુકાના બગાવડી ગામે રહેતા ભીખાભાઈ હરખાભાઈ મારવાણીયા નામના 50 વર્ષના આધેડ ખંભાળિયાના લીંબડી ગામ પાસે ચાલીને જઈ રહ્યા હતા. ત્યારે અકસ્માતે પડી જતા બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે ફરજ પરના તબીબે નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
પ્રાથમિક તપાસમાં ભીખાભાઈ મારવાણીયા ચાર ભાઈમાં મોટા હતા અને તેમને સંતાનમાં ચાર દીકરી છે ભીખાભાઈ મારવાણીયા એકલવાયું જીવન જીવતા હતા અને દ્વારકા ચાલીને પદયાત્રાએ જઈ રહ્યા હતા ત્યારે ભીખાભાઈ મારવાણીયા બેભાન હાલતમાં ઢળી પડ્યા બાદ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.