મેટોડામાં પોલીસના ત્રાસથી આધેડે વીડિયો બનાવી ઝેરી દવા પી લીધી
કાલાવડ રોડ પર મેટોડા જીઆઇડીસીમાં રહેતા રીક્ષા ચાલક આધેડે પોલીસના ત્રાસથી વીડિયો બનાવી ઝેરી દવાપી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અગાઉ તેની રીક્ષા પોલીસે પકડેલી હોય જેમાં પોલીસ તોડફોડ કર્યા અંગેની અરજી કરતા પોલીસ માનસિક ત્રાસ આપતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
જાણવા મળતી વિગત મુજબ મેટોડા જીઆઇડીસીમાં અજંલી પાર્કમાં રહેતા કાંતીભાઇ અરજણભાઇ દાફડા (ઉ.વ.54) નામના રીક્ષા ચાલક પ્રૌઢે આજે સવારે પોતાના ઘરે મોબાઇલમાં વીડિયો બનાવી બાદમાં ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્ટિપલમાં ખસેડવામાં આવ્યા છે. આધેડે આપઘાતનો પ્રયાસ કરતા પૂર્વ બનાવેલા વીડિયોમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, અગાઉ તેની રીક્ષા પોલીસે જુગારના કેસમાં પકડેલી હોય જે રીક્ષામાં પોલીસે તોડફોડ કરી હોવાથી આ અંગે પોલીસમાં જાણ કરતા કોઇ જવાબ દેવામાં આવ્યો ન હતો જેથી તેમણે જિલ્લા પોલીસ વડાને અરજી કરી હતી. જેનો ખાર રાખી પોલીસ દ્વારા તેમનુ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ત્રાસ આપવામાં આવતો હોવાથી કંટાળી તેમણે આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.