મોરબીના જાંબુડિયા નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત બાદ આગમાં આધેડનું મોત
અકસ્માત બાદ ટ્રાફિક જામ થતાં મોરબી હાઇવે ઉપર વાહનોના થપ્પા લાગ્યા
મોરબી તાલુકાના જાંબુડીયા ગામ નજીક હાઇવે પર અકસ્માત સર્જાતા બે ટ્રકમાં આગ લાગી હતી. આ બનાવ અંગે ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયર ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તેમજ આ અકસ્માતમાં એક આધેડનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રે મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે હાઈવે ઉપર બે ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રકમાં કોલસો ભરેલ હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ અકસ્માત સર્જાયા બાદ બંને ટ્રકમાં સ્પાર્ક થતા બંને ટ્રકમાં આગ લાગી હતી જોત જોતામાં આગ વિકરાળ સ્વરૂૂપ ધારણ કર્યું હતું અને બંને ટ્રક બળી ખાખ થઈ ગયા હતા. આ ઘટનાના કારણે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા તેમજ આ બનાવ અંગે મોરબી ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયર ફાયટરની બે ટીમ ઘટનાસ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવવા પાણી મારો ચલાવ્યો હતો. ભારે જેહમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. તેમજ આ અકસ્માતમાં દેવજીભાઈ બચુભાઈ સીસદણા (ઉ.વ.49) રહે. વવાણીયા વાળા આધેડનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.