રાજકોટમાં આધેડે પુત્રવધૂ અને તેના પરિવારના ત્રાસથી કર્યો આપઘાત
ભાઈ 84 લાખ હારી જતાં પુત્રવધૂ માવતર સાથે મળી જમીન હડપ કરવાનો પ્રયાસ કરતી હોવાનો સ્યૂસાઈટ નોટમાં ઉલ્લેખ
રાજકોટમાં મવડી ચોકડી પાસે આવેલી સોમનાથ રત્નમ સોસાયટીમાં રહેતા આધેડે ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. મૃતક આધેડ પાસેથી મળી આવેલી સ્યુસાઈટ નોટમાં પુત્રવધુ પોતાનો ભાઈ 84 લાખ હારી જતાં માવતર સાથે મળી જમીન હડપ કરવાનો પ્રયાસ કરી ત્રાસ આપતી હોવાથી કંટાળીજઈ આત્મઘાતી પગલુ ભર્યુ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે સ્યુસાઈટ નોટના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં મવડી ચોકડી પાસે આવેલ સોમનાથ રત્નમ સોસાયટીમાં રહેતા જેન્તીભાઈ કાનજીભાઈ કારેણા નામના 55 વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે બપોરના 3:30 વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. આધેડને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.
પ્રાથમિક પુછપરછમાં મૃતક આધેડ ત્રણ ભાઈ એક બહેનમાં વચેટ હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર છે જેના સુરત રહેતી ભૂમિ સાથે લગ્ન કર્યા હતાં.
મૃતક આધેડ પાસેથી મળી આવેલી સ્યુસાઈટ નોટ પોલીસે કબ્જે કરી છે. જે સ્યુસાઈટ નોટમાં આધેડે જણાવ્યું છે કે, પુત્રવધુ ભૂમિબેન છેલ્લા 4 મહિનાથી માવતરે રિસામણે બેઠી છે. ભૂમિને રાજકોટમાં ડ્રેસની દુકાન છે. સુરત સામાન ભરવા ગયાબાદ ભૂમિ ત્યાં 11 દિવસ રોકાયા બાદ ભૂમિએ તેના પરિવાર સાથે મળી ત્રાસ આપવાનું ચાલુ કર્યુ છે. અને ભૂમિનો ભાઈ પિયુષ 84 લાખ હારી જતાં ભૂમિએ તેના પિતા પરબત રામશી, હંસાબેન અને જેન્તી રાજા સાથે મળી જમીન ભૂમિના નામે કરાવી ભૂમિને પરત સાસરિયામાં નહીં મોકલવાનો પ્રયાસ કરી ત્રાસ આપતા હોવાથી જેન્તીલાલ કારેણાએ અગાઉ પણ ઝેરી દવા પી લીધી હોવાનો સ્યુસાઈટ નોટમાં ઉલ્લેખ કર્યો છે. પોલીસે સ્યુસાઈટ નોટના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.