સાયલા ગ્રામપંચાયતના સદસ્યએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું
કયા કારણોસર પગલું ભર્યું? એ અંગે તપાસનો ધમધમાટ
સાયલા સાયલા શહેરમાં બહાર પરા વિસ્તારમાં રહેતા અને મકાન બાંધકામનું કોન્ટ્રાક્ટ કામ કરનાર તેમજ ગ્રામ પંચાયતમાં સદસ્ય તરીકે સેવા આપનાર 35 વર્ષના અરવિંદભાઈ ખોડાભાઈ મોરીએ પોતાના ઘેર તા.13-10-2024ને રવિવારે અગમ્ય કારણોસર ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.
આ બાબતને પરિવારજનોને જાણ થતાં અરવિંદભાઈને સાયલા દવાખાને લઈ જવામાં આવ્યા હતા. પરંતુ વધુ સારવાર મળે તે પહેલા ડોક્ટરોએ અરવિંદભાઈને મૃત જાહેર કરતા પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હતું.
ગ્રામ પંચાયતના સદસ્ય અરવિંદભાઈએ આપઘાત કર્યો હોવાના બનાવ સાયલા શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. બનાવના પગલે મોટી સંખ્યામાં સતવારા સમાજના તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો સાયલા દવાખાને દોડી ગયા હતા. મૃતકનું પીએમ બાદ પરિવારજનોને લાશ સોંપવામાં આવી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો અરવિંદભાઈની અંતિમયાત્રામાં જોડાયા હતા.
આ બનાવમાં સાયલા પોલીસે અકસ્માતે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે અરવિંદભાઈએ કયા કારણોસર ફાંસો ખાધો ? એ બાબતે પણ પોલીસે પરિવારજનોના નિવેદન લેવાની કાર્યવાહી શરૂૂ કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જિલ્લામાં થોડા સમયથી આત્મહત્યાના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે.