ચોટીલા, મૂળી, થાનગઢના ગામોમાં ખનીજ ચોરી અટકાવવા સબડિવિઝનમાં બેઠક યોજાઇ
ખનીજ ચોરી ધ્યાનમાં આવે તો સૂચના મુજબ કાર્યવાહી કરવા સરપંચો અને તલાટી મંત્રીઓને તાકીદ
ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા, મુળી અને થાનગઢ તાલુકાના ગામોમાં મોટા પાયે થતી ગેરકાયદેસર ખનિજ ચોરીને અટકાવવા માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં તમામ સરપંચો અને તલાટી-કમ-મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અધ્યક્ષસ્થાનેથી જણાવાયું હતું કે અગાઉ જ્યાં ખનિજ ચોરી થતી હતી, ત્યાં આકસ્મિક તપાસણી કરીને તેને બંધ કરાવવામાં આવી છે. ભવિષ્યમાં કોઈ પણ ગામમાં ખનિજ ચોરી ફરી શરૂૂ ન થાય તે માટે તકેદારી રાખવા અને જો આવી ચોરી ધ્યાનમાં આવે તો તાત્કાલિક સૂચના મુજબ કાર્યવાહી કરવા તમામ સરપંચો અને તલાટી-કમ-મંત્રીઓને આદેશ આપવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, ગૌચર અને સરકારી પડતર જમીનો પર થયેલા દબાણો દૂર કરવા અને દબાણકર્તાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં ચોટીલા, મુળી અને થાનગઢના મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ સંબંધિત ગામોના સરપંચો અને તલાટી-કમ-મંત્રીઓ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.