સાત મહિના પૂર્વે જ પરણેલી પરિણીતાનો સાસુના ત્રાસથી ગળાફાંસો ખાઇ આપઘાત
જસદણના કનેસરા ગામનો બનાવ: સાસુ કામ બાબતે ઝઘડો કરતા હોવાથી અગાઉ 3 મહિના રિસામણી હતી
જસદણના કનેસરા ગામે રહેતી અને સાત મહિના પૂર્વે જ લગ્નના તાતણે બંધાયેલી પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. લગ્ન બાદ સાસુ અવાર નવાર કામ બાબતે ઝઘડો કરતા હોવાથી તેણી અગાઉ 3 મહિના રિસામણે પણ ગઇ હતી. જો કે, સમાધાન બાદ સાસરીયે આવી હતી. પરંતુ સાસુના ત્રાસથી કંટાળી તેણીએ આ પગલું ભરી લીધાનુ જાણવા મળ્યુ છે.
જાણવા મળતી વિગત મુજબ જસદણ તાલુકાના કનેસરા ગામે રહેતી કાજલ સાગરભાઇ મેણીયા (ઉ.વ.25)નામની પરિણીતાએ આજે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં પોતાના ઘરે પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. જેથી તેને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહી તેનુ ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી ભાડલા પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં મૃતક કાજલના લગ્ન સાત મહિના પૂર્વે જ થયા હતા. તેનુ માવતર સરધાર નજીક ખડવાવડી ગામે છે. તેણી એક ભાઇ ચાર બહેનમાં નાની હતી. વધુ તપાસમાં લગ્ન બાદ તેના સાસુ ગીતાબેન અવાર નવાર કામ બાબતે ઝઘડો કરતા હોય જેથી તેણી અગાઉ 3 મહિના રિસામણે ચાલી ગઇ હતી. બાદમાં સમાજ સાથે બેસીને સમાધાન કરતા નવરાત્રિમાં તેણે સાસરીયે તેડી ગયા હતા. હજૂ ત્રણ દિવસ પહેલા તેણી માવતરેથી આટો મારીને પરત આવી હતી. ત્યારે આ પગલું ભરી લેતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. સાસુના ત્રાસથી કંટાળી પરિણીતાએ આ પગલુ ભરી લીધાનું ખુલવા પામ્યુ છે.