કોઇ દેવ નડે છે, અંધશ્રદ્ધામાં રાચતા પ્રૌઢે એસિડ પી જીવ ટૂંકાવ્યું
દ્વારકા તાલુકાના મીઠાપુર તાબેના કૃષ્ણનગર ખાતે રહેતા રાનાભાઈ બાલુભાઈ ચાનપા નામના 56 વર્ષના પ્રૌઢ છેલ્લા એકાદ વર્ષથી અનાજ ખાવાનું છોડી દીધું હતું. છેલ્લા આશરે છ મહિનાથી કોઈપણ પ્રકારનો કામ ધંધો ન કરતા રાનાભાઈ ગુમસૂમ રહેતા હતા. તેઓને કોઈ દેવ નડે છે તેવી અંધશ્રદ્ધામાં રહેતા તેઓ અલગ અલગ પ્રકારનો વ્યવહાર કરતા હતા. આ પરિસ્થિતિમાં ગત તારીખ 1 ના રોજ તેમણે પોતાના ઘરે પોતાના હાથે એસિડ પી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ આરંભડા સીમ વિસ્તારમાં રહેતા વેજાભાઈ બાલુભાઈ ચાનપા (ઉ.વ. 52) એ મીઠાપુર પોલીસને કરી છે.
બાઇક અકસ્માતમાં મોત
ભાણવડ તાલુકાના મેવાસા ગામે રહેતા વેજાભાઈ પીઠાભાઈ જાડેજા નામના 60 વર્ષના વૃદ્ધ થોડા દિવસો પૂર્વે ભાણવડના ત્રણ પાટીયાથી જામજોધપુર તરફ જઈ રહ્યા હતા. ત્યારે વાનાવડ ગામના પાટીયા પાસે કૂતરું આડું ઉતરતા આ મોટરસાયકલ સ્લીપ થઈ ગયું હતું. જેના કારણે તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ જામ ખીરસરા ગામના રામદેભાઈ મુરુભાઈ વાઘ (ઉ.વ. 38) એ ભાણવડ પોલીસને કરતા પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, જરૂૂરી કાર્યવાહી કરી હતી.
હૃદયરોગના હુમલાએ બે યુવાનોનો ભોગ લીધો
ખંભાળિયા તાલુકાના કાઠી દેવળીયા ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા હરદેવસિંહ તખુભા જાડેજા નામના 40 વર્ષના યુવાનને ગત તારીખ 31 જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે હૃદયરોગનો કાતિલ હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે ટિંબડી ગામના રહીશ જયદેવસિંહ હરદેવસિંહ જાડેજા (ઉ.વ. 22) એ અહીંની પોલીસને જાણ કરી છે.
અન્ય એક બનાવમાં ખંભાળિયા તાલુકાના બારાડી બેરાજા ગામે રહેતા સામતભાઈ મારખીભાઈ કરમુર (ઉ.વ. 52) ને પણ શુક્રવારે રાત્રે હાર્ટ એટેક આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ રામભાઈ સામતભાઈ કરમુરએ સ્થાનિક પોલીસને કરી છે.