તળાજામાં ડિગ્રી વગર લોકોની સારવાર કરતો શખ્સ ઝડપાયો
ભાવનગર જિલ્લાના સ્પેશિયલ ઑપરેશન ગ્રુપની પોલીસ ટીમે આજે દાઠા પો.સ્ટેના નીચા કોટડા ગામે એક દુકાનમાં ડિગ્રી કે સર્ટિફિકેટ ન હોવા છતાંય ડોકટર બનીને એલોપથી સારવાર કરતા બોગસ ડોકટરને ઝડપી પાડી પોલીસે કાયદાનું ઇન્જેક્શન આપ્યું છે. જિલ્લા આરોગ્યની ટીમ દ્વારા ભયંકર લાપરવાહી દાખવવાના કારણે તળાજા પંથકમા બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. જે તમામ ખાસ કરીને ગામડાના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના આરોગ્ય સાથે રીતસર ચેડા કરી રહ્યા છે.
તળાજા પંથકમા પોલીસ અને જેની લોકોનું આરોગ્ય સાચવવાની સીધી જવાબદારી છે તે આરોગ્ય તંત્ર સામુહિક રેડ કરે તો એકજ દિવસમાં એકસો જેટલા બોગસ ડિગ્રી વગરના ડોક્ટરો ઝડપાઇ શકે તેમ છે.પરંતુ કોઈને કોઈ કારણસર તંત્રની દાનત ખોરી છે. તંત્રની દાનત ખોરી હોવાનું કારણ જવાબદાર અધિકારીને મીઠાઈ વધુ પસંદ હોય તેવો આમ જનતામાં આક્ષેપ થવો સ્વાભાવિક છે.
એસ.ઓ.જીના પો.કો. ધર્મદીપસિંહ જાડેજાએ દાઠા પોલીસ મથકમાં નોધાવેલ ફરિયાદ મુજબ આજે તેઓ નીચા કોટડા ગામે પેટ્રોલિંગમા હતા.એ સમયે અહીં એક દુકાનમાં દવાખાનું ખોલી ગળામાં ટેથોસ્કોપ રાખી કિશોર રામજીભાઈ ગુજરિયા (ઉ.વ.23) બેસેલ.તેઓની પાસે ડોક્ટરની ડિગ્રી કે સર્ટીફીકેટ ન હોવા છતાંય પોતાના આર્થિક લાભ માટે એલોપથી સારવાર કરતો હતો. જેને લઈ કાયદેસર કાર્યવાહીના ભાગરૂપે ઇન્જેક્શન, સીરપ,બાટલાઓ, કેપસુલ, ટેબ્લેટ, બીપી ઇન્સ્ટ્રુમેન્ટ, ટેથોસ્કોપ, આઈ.વી.સેટ સહિતની વસ્તુઓ મળી 5805/- ની કિંમતનો મુદામાલ જપ્ત કરી મેડિકલ પ્રેક્ટિસ એક્ટની કલમ 30 મુજબ કાર્યવાહી કરી હતી.