સાયબર ક્રાઇમના છેતરપિંડીના ગુનામાં નાસતો-ફરતો શખ્સ રાજસ્થાનથી ઝડપાયો
રાજકોટ શહેરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પેરોલ ર્ફ્લો સ્કોવર્ડની ટીમે રાજસ્થાન પહોંચી દબોચી લીધો હતો અને હાલ આરોપીને સાયબર ક્રાઇમ બ્રાંચ પોલીસની ટીમને સોંપી દેવામાં આવ્યો છે.
મળતી વિગતો મુજબ, રાજકોટ શહેરની પેરોલ ર્ફ્લો સ્કોવર્ડના પી.આઇ. સી.એચ.જાદવની રાહબરીમાં પીએસઆઇ જે.જી.તેરૈયા, એ.એસ.આઇ. અમૃતભાઇ મકવાણા, સીરાજભાઇ ચાનીયા, રાજદિપસિંહ ચૌહાણ, કુલદિપસિંહ જાડેજા અને રોહિતભાઇ કછોટ સહિતના સ્ટાફે બાતમીના આધારે રાજસ્થાન પહોંચ્યા હતા અને ત્યાંથી રાજકોટ શહેરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુનાના આરોપી અબ્દુલા હમીદ (રહે.બુહાપુર ગામ જિલ્લો ડીંગ રાજ્ય રાજસ્થાન)ને પોતાના ગામેથી ઝડપી લીધો હતો.
આરોપીને રાજકોટ લાવી સાયબર ક્રાઇમ પોલીસ મથકના હવાલે કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે જાણવા મળ્યું હતુ કે, આરોપી અબ્દુલાએ ડ્રીમ ઇલેવન નામની એપ્લિકેશન મારફતે રૂા.3.49 લાખની છેતરપીંડી કરી હતી. આ બનાવમાં રાજકોટ શહેરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. જ્યારે બીજા બનાવમાં રાજકોટ શહેરની કોર્ટના સજાના વોરન્ટમાં નાસતા ફરતા મહિલા સોનલબેન અતુલભાઇ પરમાર (રહે. ઠાકર દ્વાર બંસીધર ડેરીની બાજુમાં નવલનગર શેરી નં.9 રાજકોટ)ને પેરોલ ર્ફ્લો સ્કોવર્ડની ટીમના શાંતુબેન મુળીયા અને સ્ટાફે ઝડપી લઇ રાજકોટના મ્હે.17માં એડી.મેજીસ્ટ્રેટ વાય.બી.ગામીતની કોર્ટમાં સજાના વોરન્ટમાં હાજર ર્ક્યા હતા.