જસદણના સાણથલીમાં લગ્નપ્રસંગમાં ફાયરિંગ કરનાર રાજકોટનો શખ્સ ઝડપાયો
લગ્નમાં વરરાજાની પાસે જ સરાજાહેર હથિયારમાંથી હવામાં ફાયરિંગ કરાતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો.જે અંગે તપાસ કરી આટકોટ પોલીસે ફાયરિંગ કરનાર છાત્ર સહિત બે સામે ગુનો દાખલ કરી છાત્રની ધરપકડ કરી છે.સોશ્યલ મીડિયામાં સ્કોર્પિયો જીપ આગળ ઉભેલા વરરાજાની પાસે બારબોરના ડબલ બેરલ વાળી ગનમાંથી એક શખ્સ સરાજાહેર હવામાં ફાયરિંગ કરતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જે અંગે આટકોટ પીએસઆઈ જે.એચ.સીસોદીયા સહિતના સ્ટાફે તપાસ શરૂૂ કરી હતી.
જેમાં આ બનાવ જસદણના સાણથલી ગામે દિલીપભાઈ દેવાયતભાઈ જેબલીયાના ઘરે લગ્ન પ્રસંગમાં બન્યો હોવાનું ખુલ્યુ હતું.ફાયરિંગ કરનાર આદિત્ય ભાવેશભાઈ વાઘેલા (ઉ.વ.21, રહે. લક્ષ્મીનગર, નાના મવા રોડ, રાજકોટ) હોવાનું અને હથિયાર વરરાજાના પિતા દિલીપ દેવાયતભાઈ જેબલીયાનું ખુલતા આટકોટ પોલીસે આદિત્ય અને દિલીપ સામે આર્મ્સ એકટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આદિત્યની અટકાયત કરી હતી. જયારે દિલીપભાઈને પણ પકડી લેવા તજવીજ આદરી છે.
પોલીસે જણાવ્યું કે, આરોપી આદિત્ય બી.બી.એ.નો અભ્યાસ કરે છે.ત્રણેક દિવસ પહેલા તેના મિત્ર હોવાથી યોજાયેલા લગ્નમાં સાણથલી ગયો હતો. બાદમાં દિલીપની લાયસન્સવાળી ગનમાંથી ફાયરિંગ કર્યું હતું.જે હથિયાર પોલીસે કબ્જે લઈ વધુ તપાસ જારી રાખી છે.